Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વરસાદથી એસ.ટી.ની ૪૨૦૦ બસ ટ્રીપ રદઃ નિગમને એક કરોડનું બસ ભાડામાં નુકસાન

રદ્દ કરાયેલા રૂટોમાં મુખ્યત્વે જૂનાગઢ, અમરેલી, સુરત, વલસાડ અને ભાવનગર સહિતના જિલ્લાઓનો સમાવેશ થયો હતો

અમદાવાદ તા. ૨૩: ગુજરાત એસ.ટી. નિગમને વરસાદી સિઝનથી આશરે એક કરોડ કરતા વધુનું મુસાફરી ભાડામાં નુકસાન થયું હતું. અમદાવાદને બાદ કરતા રાજયના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદ પડયો હતો. વરસાદના કારણે દર વર્ષની જેમ ગામડાઓના નાના ચેકડેમો, તળાવ તેમજ નદીઓ ઓવરફલો થવાના કારણે વાહન માર્ગે પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતિમાં મુસાફરોના જીવને જોખમે બસોનું સંચાલન કરવું બિનજવાબદારભર્યુ હોવાથી નિગમ દ્વારા વરસાદના કારણે પ્રભાવિત વિસ્તારોની ટ્રીપ કેન્સલ કરવાનું મુનાસીબ સમજયું હતું.

નિગમના અધિકારી કે.ડી. દેસાઇએ કહયું કે, ૧૬ થી ૨૨ જુલાઇ દરમિયાન રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં સામાન્યથી અતિભારે વરસાદ પડયો હતો આ સમય દરમિયાન આશરે ૪૨૦૦ બસ ટ્રીપ રદ કરવી પડી હતી.

જેમાં આશરે બે લાખ ૬૪ હજાર જેટલાં કિ.મી.ના રૂટ કેન્સલ કરવા પડયા હતાં.

રૂટ કેન્સલ કરવાને કારણે શનિવાર સુધી નિગમને લગભગ ૮૨ લાખ રૂપિયાનું  મુસાફરી ભાડમાં નુકસાન થયું હતું. રવિવારે એસ.ટી. નિગમની બસ સેવા લગભગ શરૂ થઇ ચુકી છે. તેમ છતાં રવિવારે ૨૦૦ જેટલી ટ્રીપ રદ રહી હતી.

સૂત્રો કહે છે કે, યાત્રીઓની અવર-જવરની આવક સહિતની માહિતી દરરોજ સરકારમાં અપડેટ કરવાની હોય છે. ગયા અઠવાડિયે વિભાગને ડેટા મોકલવામાં આવ્યો હતો તેમા મુસાફરી આવકમાં થયેલા ઘટાડાની વિગતો મોકલવામાં આવી હતી. મુસાફરી ભાડા ઉપરાંત કેટલીક જગ્યાઓ પર બસ બ્રેકડાઉન થવાના કારણે બસોને જે તે સ્થળે રોકી દેવાઇ હતી અને મુસાફરોને અન્ય બસની સુવિધા કરી અપાઇ હતી.

(10:16 am IST)