Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમદાવાદ શહેરની એશિયાની સૌથી મોટી ડસ્‍ટબિન તરીકે ઓળખાતી ખારીકટ કેનાલની સફાઇ પાછળ પાંચ કરોડનો ખર્ચ

ખારીકટ સફાઇ ઝુંબેશ દરમિયાન ૪૦ હજાર મેટ્રિક ટન કચરો બહાર કઢી દેવાયો : કેટલાક તત્‍વ ગંદકી ફેલાવે છે : જળસંચય અભિયાન બાદ તંત્ર સફાઇ મુદ્દે શિથિલ

અમદાવાદ તા.૨૩ : રાજ્‍ય સરકારના સુજલામ્‌-સુફલામ્‌ જળ અભિયાન-ર૦૧૮ હેઠળ મ્‍યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગત તા.૧ મેથી તા.૩૧ મે સુધી એશિયાની સૌથી મોટી ડસ્‍ટબિન તરીકે ઓળખાતી ખારીકટ કેનાલની સ્‍થાનિક ઇન્‍ડસ્‍ટ્રીઝ તેમજ લોકોના સહયોગથી સાફસફાઇ હાથ ધરાઇ હતી. ખારીકટ કેનાલને સ્‍વચ્‍છ કરવા મ્‍યુનિસિપલ તિજોરીમાંથી આશરે રૂ.પાંચ કરોડ ખર્ચાયા હોવાની વિગત જાણવા મળી છે. જો કે, આટલો માતબર ખર્ચો કર્યા પછી જળસંચય અભિયાન પૂર્ણ થઇ ગયા બાદ કેનાલની સાફસફાઇ અને સ્‍વચ્‍છતા મુદ્દે તંત્ર કડકાઇભર્યુ વલણ દાખવવામાં શિથિલ બનતાં કેટલાક તત્‍વો દ્વારા ફરી પાછી કેનાલને ગંદી અને પ્રદૂષિત કરવાની હીન પ્રવળત્તિ આચરાઇ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

         શહેરના ઉત્તર ઝોનમાં રહેઠાણ વિસ્‍તારની પ.પ કિ.મી. લાંબી ખારીકટ કેનાલ હેઠળ નરોડા, રાજીવપાર્ક, પૂર્વ ઝોનમાં રહેઠાણ વિસ્‍તારની ૧૦.પ કિ.મી. લાંબી ખારીકટ કેનાલ હેઠળ વિરાટનગર, નિકોલ, રાજેન્‍દ્રપાર્ક, ઓઢવ અને રામોલ તેમજ દક્ષિણ ઝોનમાં રહેઠાણ વિસ્‍તારની પ કિ.મી. લાંબી ખારીકટ કેનાલ અને પ.પ૦ કિ.મી. લંબાઇની ખારીકટ બ્રાંચ કેનાલ હેઠળ અમરાઇવાડી ખાતે ગોરના કૂવા પાસેની કેનાલ, રાજેન્‍દ્રપાર્કથી એકસપ્રેસ હાઇવે, ગેબનશા અને વટવા સ્‍મશાનગળહથી રિંગરોડ તરફના સ્‍થળ મળીને ૧પ સ્‍થળોએ ર૭ કિ.મી. લાંબી ખારીકટ કેનાલની વ્‍યાપક સફાઇ હાથ ધરાઇ હતી. તંત્ર દ્વારા ખારીકટ કેનાલની સાફસફાઇ દરમ્‍યાન જેસીબી, ડમ્‍પર, ટ્રેકટર, પાવડી-બોબકેટ અને એકસકેવેટર સહિતની મશીનરીનો કેનાલમાંથી કચરો બહાર કાઢવા અને તેનો પિરાણા સાઇટમાં ડમ્‍પિંગ માટે ઉપયોગ કરાયો હતો. ખારીકટ કેનાલના સફાઇ અભિયાન હેઠળ તંત્ર દ્વારા ૪૦ હજાર મેટ્રિક ટનથી વધુ કચરો ઉપાડાયો હતો. દરમ્‍યાન ખારીકટ કેનાલની સાફસફાઇ માટે ઉપયોગમાં લેવાયેલી મશીનરીને ભાડે લેવા પાછળ મ્‍યુનિ. તિજોરીમાંથી રૂ.૧.પ૭ કરોડ ખર્ચાયા હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત જનજાગળતિ માટે શેરી નાટક, રેલી, પત્રિકા, ર્હોડિંગ્‍સ, પોસ્‍ટર, ભાડાની પ્રચાર રિક્ષા, જંતુનાશક દવાનો છંટકાવ, નવાં ડસ્‍ટબિન વગેરે હેલ્‍થ વિભાગ અને સોલિડ વેસ્‍ટ વિભાગને સાંકળતી વિભિન્‍્ના બાબતોનો ખર્ચ જોતાં ખારીકટ કેનાલની હાલની સુંદરતા અમદાવાદીઓને રૂ. પાંચ કરોડમાં પડી છે. જોકે તંત્ર દ્વારા ગત તા.૧ થી ૩૧ મે સુધી જે પ્રકારે કેનાલમાં ગંદકી ઠાલવતાં એકમો, લારી-ગલ્લા, ટેન્‍કર કે નાગરિકો સામે કડકાઇથી કામ લેવાતું હતું પરંતુ હવે અભિયાન પૂર્ણ થયા બાદ તંત્ર કડકાઇથી કામ લેવાને બદલે શિથિલ બની જતાં ફરીથી કેટલાક તત્‍વો દ્વારા ફરી પાછી ખારીકટ કેનાલને ગંદી અને પ્રદૂષિત કરી રહ્યા હોવાની પણ વ્‍યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે, જેથી અમ્‍યુકો સત્તાવાળાઓએ હવે આવા તત્‍વો સામે આકરી કાર્યવાહી કરવી જોઇએ. 

(9:04 pm IST)