Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગ્રીન ઝોનમાં 'સાઇલન્ટ કેરિયર'થી કેસમાં વધારો

કોરોના ફ્રી જિલ્લાઓમાં પણ કેસ વધતા તંત્ર ચિંતિત : જો કોરોના વકરે તો અપાયેલી છુટછાટો પાછી ખેંચી લેવાય તેવી શકયતા

અમદાવાદ,તા.૨૩: શહેર સહિત ગુજરાતભરમાં કોરોના દિન- પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. સમગ્ર રાજયમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. અમદાવાદમાં પણ મહત્ત્।મ તાપમાનનો પારો ૪૪-૪૫ ડિગ્રી વચ્ચે રમે છે, તેમ છતાં કોરોના કાબૂમાં આવતો ન હોઈ ગુજરાતમાં આંકડો ૧૩,૨૪૩ થયો છે તો મૃત્યુઆંક ૮૦૨ પર પહોંચ્યો છે. એક તરફ કોરોનાની નવી ગાઇડ લાઇનના કારણે રિકવરી રેટ વધ્યો હોવાનું સરકારી તંત્ર દ્વારા દર્શાવાઈ રહ્યું છે, પરંતુ કડવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. કોરોના પર અંકુશ મેળવવામાં નિષ્ફળ નીવડેલા રાજયના આરોગ્ય વિભાગના કારણે રાજયના તમામ ૩૩ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે, તેમાં પણ બહારથી આવનારા લોકોના કારણે કોરોનાના મામલે સલામત ગણાતા ગ્રીન ઝોન જિલ્લામાં પણ કોરોના વકર્યો છે.

રાજય સરકાર દ્વારા તાજેતરમાં અગાઉના પાંચ જિલ્લા ઉપરાંત દાહોદ, ડાંગ, જામનગર, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ પણ ગ્રીન ઝોન જિલ્લા જાહેર કરાયા છે. જોકે કોરોનાના જામનગરમાં ૪૬ કેસ અને બે મોત, ગીર સોમનાથમાં ૩૮ કેસ અને દાહોદમાં ૩૨ કેસ મળતાં તંત્રમાં પણ દોડધામ મચી છે. ગત તા. ૧ મેએ જામનગરમાં માત્ર એકસ, ગીર સોમનાથમાં ત્રણ કેસ અને દાહોદમાં પાંચ કેસ મળ્યા હતા, તેમાં પણ જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું ખાતું પણ ખૂલ્યું નહોતું તેને બદલે આ જિલ્લામાં હવે ૧૮ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાં એક પણ કેસ નહોતો ત્યાં આજે ૧૨ કેસ થયા છે. વલસાડમાં પાંચના ૧૮ કેસ, નવસારીમાં છના ૧૪ કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં એકના ૨૧ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લો લાંબા સમય સુધી કોરોના મુકત હતો, પરંતુ શુક્રવારે આ જિલ્લામાં એકસાથે પાંચ કેસ મળતાં તંત્ર પણ ચિંતાતુર બન્યું છે.

મે મહિનાની પહેલીતારીખે ગુજરાતભરમાં કોરોનાના ૪૪૨૧ કેસ અને ૨૩૬ મૃત્યુ નોંધાયાં હતાં, જેમાં સ્વાભાવિકપણે ૪૦ ટકા કેસ એટલે કે ૩૨૯૩ કેસ અને ૪૦ ટકા મૃત્યુ એટલે કે ૧૬૫ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતાં. ગુજરાતમાં લોકડાઉનની અમલવારીમાં છેલ્લા ચાર દિવસથી છૂટછાટ અપાઈ છે તેમ છતાં કોરોના નિયંત્રણમાં આવ્યો નથી, કેમ કે માત્ર રર દિવસમાં ગુજરાતમાં કોરોનાના નવા ૮૫૫૨ કેસ અને પ૬૬ મૃત્યુ થઈ ચૂકયાં છે. કોરોનાનો ઊંચો મૃત્યુદર પણ ગુજરાત માટે રેડ સિગ્નલ જ છે. ઓરેન્જ ઝોન જિલ્લા પૈકી કચ્છમાં કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો આવીને કુલ ૬૪ કેસ થઈ ચૂકયા છે. ગાંધીનગર જિલ્લો પણ કોરોના માટે હવે સેફ જિલ્લાને બદલે ૨૦૧ કેસ અને ૧૦ મોત સાથે કોરોના ડેન્જર ઝોન બન્યો છે. ભાવનગરમાં ૧૧૪ કેસ અને ૮ મૃત્યુ, રાજકોટમાં ૮૩ કેસ અને બે મોત પણ કોરોના વકર્યો હોવાનું બતાવે છે.

જયારે મહેસાણામાં ૧૧ના ૯૫ કેસ અને ચાર મોત, પાટણમાં ૧૮ કેસ અને એક  મોતના ૬૯ કેસ અને ચાર મોત, સાબરકાંઠામાં ત્રણના ૬૩ કેસ, બનાસકાંઠામાં ૨૯ કેસ અને એક મોતના ૯૯ કેસ અને યાર મોત નોંધાતા આ જિલ્લા પણ કોરોનાની દૃષ્ટિએ ખતરનાક બન્યા છે. પંચમહાલમાં ૪ર કેસ અને છ મોત, અરવલ્લીમાં ૯૩ કેસ અને ત્રણ મોત, મહીસાગરમાં ૦૪ કેસ અને એક મોત વગેરે કોરોના મીટર જોતાં રાજયમાં હવે માત્ર મોરબી, અમરેલી અને ડાંગ બે-બે કેસ, તાપી ત્રણ કેસ અને પોરબંદર પાંચ કેસ સાથે સલામત જિલ્લા રહ્યા છે. ખાસ તો લોકડાઉન- ૪ માં છૂટછાટ મળ્યા બાદ ગુજરાતમાં કેસમાં જે પ્રકારે વધારો જોવા મળ્યો છે તેને જોતાં આ છૂટછાટ પાછી ખેંચાય તેવી પણ ચર્ચા ઊઠતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તો ગઈ કાલે આ અંગે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી હતી.

(3:30 pm IST)