Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અમદાવાદ- બરોડા એકસપ્રેસ હાઈવે પરના એક પેટ્રોલ પંપ પર બસ સળગતાં અફરા-તફરીઃ મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ દેશભરમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન-૪માં ઘણા નિયમોમાં રાહત આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શ્રમિકોને તેમના વતન જવા માટે મંજૂરી આપવામાં આવી છે. જો કે નિયમમાં વધુ છૂટછાટ સાથે રાજય સરકારો દ્વારા પણ પ્રજાને આવવા-જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડા પાસે મોડી રાત્રે પેટ્રોલ પંપ પર ઉભેલી ખાનગી બસમાં અચાનક આગ લાગતા મોટી દૂર્ઘટના ટળી ગઇ હતી.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગઇકાલે મોડી રાતે અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઇ વે પર મોટી દૂર્ઘટના ટળી હતી. એકસપ્રેસ હાઇ વે પર આવેલા એક પેટ્રોલ પંપ પર ડિઝલ ભરવા ઉભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગ લાગેલી બસમાં અંદાજે ૨૮ જેટલા મુસાફરો સવાર હતા. જો કે આગ લાગવાની સાથે જ સાવચેતી રૂપે તાત્કાલિક બસમાં રહેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આગ લાગતા પેટ્રોલ પમ્પ પર હાજર લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા.

બસમાં આગ એટલી ભયંકર લાગી હતી કે તેના પર કાબુ મેળવવા માટે અંદાજે ૧ કલાક જેટલો સમય લાગ્યો હતો. આ અંગેની જાણ થતાં નડિયાદ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે આ ઘટના એકસપ્રેસ વે પર આવેલા માંકવા ગામ પાસે બની હતી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બસ બેંગલોરથી જોધપુર જઇ રહી હતી. જો કે સદ્દનસીબે આગમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નહોતી. બસ પર આગ કાબુમાં લીધા બાદ મુસાફરોને અન્ય વાહન દ્વારા વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(2:53 pm IST)