Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મુળ જુની શરતની જમીનમાં પ્રીમીયમ પાત્ર ન હોય તો બહુહેતુક બિનખેતીની મંજુરી અપાશે

ઉદ્યોગ માટે બિનખેતી કરાવે તો ઔદ્યોગિક ખુલ્લા પ્લોટની જંત્રી મુજબ પ્રીમીયમ

રાજકોટ,તા.૨૩ : રાજ્ય સરકારે જમીન બિનખેતી કરવામાં પ્રીમીયમના દર સંદભે ગઇકાલે મહત્વનો પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે.

મહેસુલ વિભાગના પરિપત્રમાં જણાવાયુ છે કે રાજય સરકાર દ્વારા મલ્ટીપર્પઝ એન.એ.ની મંજૂરી આપવામાં આવેલ છે. આથી, તે ધ્યાનમાં રાખીને જે જમીન મુળથી જુની શરતની હોય અને હાલ પણ જુની શરતના હેડે ચાલુ હોય અને બિનખેતી પ્રીમિયમને પાત્ર ન હોય તેવી જમીનમાં મલ્ટીપર્પઝ એન.એ.ની મંજૂરી આપી શકાશે. જયારે નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે શરતફેરના કિસ્સામાં શહેરી વિસ્તારમાં બિનખેતીના રહેણાંક અને વાણિજય હેતુ માટે ખુલ્લા પ્લોટના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. જે કિસ્સામાં ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય તેવા કિસ્સામાં ઔધોગિક ખુલ્લા પ્લોટ માટેના જંત્રી દર મુજબ પ્રીમીયમ વસુલવાનું રહેશે. જો ઔધોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય, તેવા કિસ્સામાં ''ઔધોગિક ખુલ્લા પ્લોટ'' માટેના જંત્રી દર ઉપલબ્ધ ન હોય, તેવા કિસ્સામાં  ''ખુલ્લા પ્લોટ''ના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. બિનખેતીની મંજુરી પણ જે તે હેતુ માટે આપવાની રહેશે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં જે હેતુ માટે બિનખેતી કરાવવાનું હોય તે હેતુ માટેના જંત્રી દર મુજબ પ્રીમિયમ વસુલ લેવાનું રહેશે. તેમજ બિનખેતીની મંજુરી પણ તે જ હેતુ માટે આપવાની રહેશે. જે ગ્રામ્ય વિસ્તારમાં જંત્રી ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સામાં સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સશ્રીનો તા. ૩૦/૦૪/ર૦૧૧નો પત્ર, મહેસૂલ વિભાગનો તા. ૦૩/૧૨/ર૦૧૧નો ઠરાવ ધ્યાને લઇ જરૂર જણાય તો સ્ટેમ્પ ડ્યુટી (નાયબ કલેકટર) નો અભિપ્રાય ઓનલાઇન લઈને મુલ્યાંકન કરવાનું રહેશે. ભવિષ્યમાં બિનખેતીના હેતુ અંગે ફેરફાર કરવાનો હોય તો તે સમયે પ્રવર્તમાન જંત્રી મુજબ તફાવતનું પ્રીમિયમ ભરવાનું રહેશે. વધુમાં, નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની જમીનો માટે જે તે હેતુ માટેના બિનખેતીની મંજુરી ઉપરાંત મલ્ટીપર્પઝ બિનખેતી માટેનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જે અરજદાર જે તે ગામ / સર્વે નંબરના બિનખેતીના મહત્તમ જંત્રી દર મુજબ પ્રીમિયમ ભરે તો મલ્ટીપર્પઝ બિનખેતીની પણ મંજુરી આપવાની રહેશે.

(11:56 am IST)