Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

માંગ પુરી ન થાય તો ડ્યુટી ન કરવાની ઇન્ટર્ન્સની ચેતવણી

બધા ઇન્ટર્ન સાત દિવસની અવધિ માટે સેવા આપે : ઘણા સિનિયર ડૉક્ટરોની ગેરહાજરીના લીધે ઇન્ટર્ન્સ પર કામનો ભાર વધે છે :કામની વહેંચણી સમાન હોવી જોઇએ

અમદાવાદ, તા. ૨૨ : અસારવા સિવિલ હોસ્પિલમાં ઇન્ટર્નશિપ કરી રહેલા બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ગુરુવારે સોશિયલ મીડિયા પર સત્તાધીશો સામે ફરિયાદ નોેધાવી હતી. જેમાં તેમણે તેમની માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોવિડ-૧૯ ડ્યુટીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બીજેએમસીના ઇન્ટર્ન્સની માગ છે કે, કોલેજોના તમામ ઇન્ટર્ન્સ કે જેઓ કોવિડ-૧૯ વોર્ડમાં નથી તેમને સિવિલ હોસ્પિટલમાં કેમ્પમાં આવેલી ૧૨૦૦ બેડવાળી હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવે. જેનાથી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઇમરજન્સી ડ્યુટી પર રહેલા બીજેએમસીના ઇન્ટર્ન્સ પરનો ભાર હળવો થશે. બીજેએમસીના ઇન્ટર્ન્સ નામના સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા તેમણે આરોપ લગાવ્યો છે કે, ઘણા સિનિયર ડૉક્ટરોની ગેરહાજરીના કારણે ઇન્ટર્ન્સ પર કામનો ભાર ખૂબ જ વધી જાય છે.

             તેઓ ઈચ્છે છે કે બધા ઇન્ટર્ન સાત દિવસની અવધિ માટે સેવા આપે. એક સમયે પોસ્ટ કરેલી ઇન્ટર્નની સંખ્યા પણ ઘટાડવી જોઈએ તેમ તેમણે કહ્યું. આરોગ્ય કર્મચારીઓ વચ્ચે કામની વહેંચણી સરખા ભાગે થવી જોઈએ. કેટલીક જવાબદારી ક્વાલિફાઈડ ડૉક્ટરોની હોવી જોઈએ. ઇન્ટર્ન્સ માત્ર ટ્રેઈની ડૉક્ટર છે અને તેમણે બધી પ્રક્રિયાઓમાં સહાયક તરીકે જ કામ કરવું જોઈએ. તેમ ગ્રુપની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવાયું છે. ૧૨ બેડવાળી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહેલી એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો હતો કે એક રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તેની અને તેના ક્લીગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.

(9:35 pm IST)