Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સિવિલમાં ૪ મૃતકોના દાગીના ચોરાઈ જતા જોરદાર હોબાળા

મૃતકોના પરિવારજનોનો ભારે આક્રોશ : શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ, તા. ૨૨ : માનવતાને શર્મસાર કરે તેવી ઘટનામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મોતને ભેટેલા ચાર દર્દીઓના દાગીના કે ફોન ચોરાઈ ગયા હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ચારેય ઘટનાઓ આ મહિનામાં બની છે. એક તરફ કોરોનામાં લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મૃતકોનો સામાન પણ ચોરાઈ જતાં પરિવારજનો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. અમદાવાદના છારાનગરમાં રહેતા ૪૫ વર્ષના ઉમેશ તમઈએ ૧૧મી મે ના રોજ સિવિલમાં એડમિટ કરાયા હતા. ૧૬મી મેએ તેમને વેન્ટિલેટર પર મૂક્યા બાદ તેમનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. પરિવારજનો જ્યારે તેમનો મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે તેમની ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની કાંડા ઘડિયાળ ગાયબ હતી, એટલું જ નહીં ૨૦ હજારની કિંમતનો સ્માર્ટફોન પણ ચોરાઈ ગયો હતો. ૧૪ મેસુધી મૃતક પોતાના પરિવારજનો સાથે ફોન દ્વારા સંપર્કમાં રહેતા હતા. વેન્ટિલેટર પર મૂકાત આઈસીયુમાં રહેલા ઉમેશભાઈનો પરિવારજનો સાથે સંપર્ક પણ નહોતા કરી શક્યા. બીજા દિવસે તેમની બહેન કલ્પાને ફેસબુક મેસેન્જર પર એક અભદ્ર મેસેજ આવ્યો. પરિવારજનોને તેનાથી તેરત જ શંકા ગઈ કે ઉમેશભાઈ વેન્ટિલેટર પર છે ત્યારે ચોક્કસ બીજું કોઈ તેમનો ફોન ઉપયોગમાં લઈ રહ્યું છે.

               જ્યારે પરિવારજનોએ હોસ્પિટલના ડૉ. મૈત્રેય ગજ્જર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે ખાસ સહકાર ના આપ્યો. આ મામલે મૃતકના સાળા રોક્સી ગાગડેકરે નોંધાવેલી ઓનલાઈન ફરિયાદમાં આ આક્ષેપ કરાયો છે. ફરિયાદમાં કહેવાયું છેકે ડોક્ટરે એવો જવાબ આપ્યો હતો કે આ ઁઅંગે તેઓ કોઈ તપાસ કરી શકે તેમ નથી અને જો ફોન ચોરાયો હોય તો તે અમારી જવાબદારી નથી. તેમણે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો તેના થોડા જ સમયમાં ફોન અચાનક બંધ થઈ ગયો હતો. રખિયાલના છોટા ગરીબનગરમાં રહેતા હસન બિલાલ અબુ કાસિમ પઠાણે પણ કંઈક આવી જ ફરિયાદ નોંધાવી છે. તેમના માતા અન્નુબાનુ પઠાણ સિવિલમાં ૧૫ મેના રોજ દાખલ થયા હતા. ૧૭ મેએ રાત્રે ૧૦ વાગ્યે તેમનું અવસાન થયું હતું. જો કે, પરિવારજનો તેમનો મૃતદેહ લેવા ગયા ત્યારે તેના પરથી કાનની બુટ્ટી અને વીંટી ગાયબ હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, બંને વસ્તુઓ સોનાની હતી અને તેની કિંમત વીસેક હજાર જેટલી થાય છે. અમરાઈવાડીમાં રહેતા બિંદુબેન રાજપૂતનું પણ સિવિલમાં કોરોનાથી મોત થયું હતું. મૃતકનો ચહેરો જ્યારે તેમના પરિવારજનોએ જોયો ત્યારે તેમને ખબર પડી હતી કે તેમની બુટ્ટી કાઢી લેવાઈ છે. તેમનો ફોન પણ ગાયબ થઈ ગયો હતો. જોકે, તેમની નથ અને ચાંદીના ઝાંઝર સલામત હતાં. આ અંગે તેમના પતિએ જણાવ્યું કે, બુટ્ટીની કિંમત ૨૨,૦૦૦ જેટલી હતી અને હવે તેને પહેરનાર આ દુનિયામાં નથી ત્યારે તેમને બુટ્ટીની કશીય નથી પડીં, પરંતુ આવું કોઈ બીજા સાથે ના થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન પોતાના પિતા ગુમાવનારા સાગર શાહની પણ કંઈક આવી ફરિયાદ છે.

          તેમને ૧૬મી મેએ દાખલ કરાયા હતા. પિતા સાથે સંપર્કમાં રહેવા સાગરભાઈએ તેમને ફોન આપ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ડૉક્ટરે ફોન વાપરવાની પરવાનગી નથી તેવું કહીને તેને જપ્ત કરી લીધો હતો. આખરે એક સ્થાનિક નેતાની મદદથી સાગરભાઈએ ગમે તેમ કરી પિતાનો સંપર્ક કર્યાે તો તેમને જાણવા મળ્યું કે તેમનું મોત થઈ ચૂક્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, ૧૬મી રોજ સાગરભાઈને તેમના પિતાનું મોત થયાની જાણ થઈ હતી. જ્યારે તેઓ મૃતદેહનો કબજો લેવા પહોંચ્યા ત્યારે તેના પર જે ચિઠ્ઠી ચોંટાડાઈ હતી તેમાં મૃત્યુની તારીખ ૧૫ મે લખી હતી. મતલબ કે પિતાના મોતના ૨૬ કલાકે તેની જાણ તેમના પરિવારજનોને થઈ હતી. આટલું ઓછુું હોય તેમ મૃતક પાસેથી કેશ અને મોબાઈલ ફોન પણ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. શાહીબાગ પોલીસે આ ફરિયાદો પર તપાસ શરૂ કરી છે. સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા નથી મળ્યા. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પીઅઈ એકે પટેલના જણાવ્યા અનુસાર, હાલ તપાસ ચાલુ છે,પરંતુ કોઈ નક્કર વિગતો પ્રાપ્ત થઈ નથી. સિવિલમાં પણ હવે દર્દીઓ પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની રજિસ્ટરમાં નોંધણી કરાઈ રહી છે. દાગીના સહિતની કિંમતી વસ્તુઓને બહાર કઢાવી જરૂરી વસ્તુઓ જ લઈ જવાની હવે પરવાનગી અપાઈ રહી છે.

(9:37 pm IST)
  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST

  • દાદરા નગર હવેલીના સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસ :મુંબઈથી સેલવાસ આવેલ એક પરિવારની ત્રણ મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સેલવાસ આરોગ્ય વિભાગે માતા અને બાળકી બંનેને અલગ અલગ આઇસોલેટ કર્યા :સંક્રમણ ફેલાતું અટકવવા તંત્રની કામગીરી access_time 9:46 pm IST

  • અમદાવાદના નિકોલથી આટકોટમાં 2 દિવસ પહેલા રહેવા આવેલા 45 વર્ષના લેઉઆ પટેલ પુરુષને કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ access_time 10:21 pm IST