Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ચૈત્રી પૂનમ હવે બાધા અને માનતા પૂરી કરવા માટેની પૂનમ તરીકે ઓળખાવવા લાગીઃ અંબાજી માતાજીના દરબારમાં અનેક ભક્‍તો માથે ગરબી લઇને તથા પગપાળા માનતા પૂરી કરવા આવ્‍યા

ભાદરવી પૂનમની જેમ જ હવે ચૈત્રી પૂનમનું પણ મહત્‍વ વધી ગયુ

અંબાજી: 51 શક્તિપીઠોમાં શક્તિપીઠ અંબાજીનો અનેરો મહિમા છે. જ્યાં ચૈત્રી પૂનમમાં માં અંબેના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ચોટીલાના ચામુંડા હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય, પણ ભાદરવી પૂનમની જેમ હવે ચૈત્રી પૂનમનું પણ તેટલું જ મહત્વ અંબાજીનું વધી ગયું છે. આ ચૈત્રી પૂનમ હવે બાધાની પૂનમ નામથી પણ ઓળખાવા લાગી છે.

આજે ચૈત્રી પૂનમ છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની જેમ આ ચૈત્રી પૂનમે પણ તેટલુ જ માનવ મેહરામણ અંબાજી ખાતે પહોંચે છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચતા હોય છે. જેના કારણે અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે. ખાસ કરીને જેમ ભાદરવી પૂનમે ધજા ચઢાવાનું વિશેષ પ્રમાણ જોવા મળતું હોય છે. ત્યાં આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવા માથે માંડવીને ગરબી લઈ માં અંબેના દ્વારે પહોંચતા નજરે પડ્યા હતા. વર્ષોથી પગપાળા કરી અંબાજી પહોંચતા યાત્રિકો આજે પણ અંબાજી પહોંચી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે. એક નહિ પણ અનેક સંખ્યામાં માથે ગરબી લઇ અંબાજી મંદિરે પહોંચી પોતાની માનતા પૂર્ણ કરે છે. આ ગરબીને ફૂલોના ગરબા પણ કહેવાય છે.

આમ તો પદયાત્રીઓ માતાજીનો રથ લઈ અંબાજી મોટી સંખ્યામાં પહોંચે છે. પણ આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ રથ તો ખરા પણ માથે ગરબી લઇ પગપાળા અંબાજી પહોંચે છે. આ ગરબી સાથે હવે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ધજાઓ લઈને પણ અંબાજી મંદિરે પહોંચેતા નજરે પડ્યા હતા.

અંબાજીમાં હવે દિનપ્રતિ દિન માં અંબે પ્રત્યે લોકોની શ્રદ્ધામાં જેમ જેમ વધારો થઇ રહ્યો છે, તેમ આવા મેળાવડાઓ પણ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને કોરોના બાદ ચોક્કસ પણે લોકોની આસ્થામાં વધારો થયો છે. શક્તિપીઠો ભક્તોથી ઉભરાવા લાગ્યા છે.

(4:33 pm IST)