Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે ઍકેડમિક કેલેન્ડરમાં ચેઇન્જ કરીને ઉનાળુ વેકેશન વહેલુ જાહેર કરતા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની માંગણી

ગાંધીનગર: ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં તાકિદે ઉનાળુ વેકેશન જાહેર કરવાની માગણી પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. જ્યારે કે, ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક વેકેશન આપવાની માંગણી કરવામાં આવી છે.

એકેડેમિક કેલેન્ડર બદલીને ઉનાળુ વેકેશન જાહેર કરો

બોર્ડની પરીક્ષાઓ મોકૂફ કરવાની અને અન્ય ધોરણોને માસ પ્રમોશનની જાહેરાત કરતા જ વાલીઓ તથા વિદ્યાર્થીઓ ચિંતામુક્ત થયા હતા. ત્યારે હવે પરીક્ષાઓ હાલ થવાની નથી તો પ્રાથમિક શૈક્ષણિ મહાસંઘ દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કરવાની માંગ કરાઈ છે. આ માંગણી કરતા શૈક્ષણિક મહાસંઘે  પત્રમાં જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ લેવાની રહેતી નથી. તેથી હજારો શિક્ષકોને શાળામાં બોલાવવાનું યોગ્ય જણાતુ નથી. આમ પણ દર વર્ષે મે મહિનામાં ઉનાળુ વેકેશન જ હોય છે. તેથી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે એકેડમિક કેલેન્ડરમાં ચેન્જ કરીને વહેલા ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે તો સારું રહેશે. શિક્ષકોના સ્વાસ્થ્યમાં ધ્યાનમાં રાખીને ઉનાળુ વેકેશન જાહેર કરવામા આવે.

સરકાર આ રીતે આપશે માસ પ્રમોશન

કોરોનાને લીધે આ વર્ષે પણ ધો.૧થી૯ અને ધો.૧૧માં માસ પ્રમોશનમા આપવાની સરકારે જાહેરાત કર્યા બાદ સરકારના વિધિવત ઠરાવ પછી જીસીઈઆરટી દ્વારા સ્કૂલોને પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામા આવ્યા છે. જે અંતર્ગત ધો.૩થી ૮માં રચનાત્મક અને સ્વ મૂલ્યાકનના આધારે ૧૦૦ ગુણ મુજબ વિષયદીઠ પરિણામ તૈયાર કરાશે. જીસીઈઆરટી દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓને ધો.૧થી૮ના માસ પ્રમોશનમાં આ વર્ષે થયેલા હોમ લર્નિંગ અને ઓનલાઈન શિક્ષણ કાર્યને ધ્યાને લઈને પરિણામ પત્રકો તૈયાર કરવા સૂચના અપાઈ છે. માસ પ્રમોશનના નિયમો અંતર્ગત ધો.૧ અને ૨માં વિદ્યાથીઓના પરિણામ પત્રક (ડી૨-ડી૪)માં વિદ્યાર્થી નામ સામે વર્ગ બઢતી એમ લખવામાં આવશે જ્યારે અન્ય કોઈ પણ વિગતો દર્શાવવામાં નહી આવે.

(4:47 pm IST)