Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ગ્રીન એનર્જી માટેના સરકારના પ્રયત્નોમાં અધિકારીઓ જ આડખીલી

સરકારી નીતિ વિરોધ તઘલખી નિર્ણયોથી ઉદ્યોગ સાહસિકોમાં રોષની લાગણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : રાજય સરકાર દ્વારા ગ્રીન એર્નજીના ઇનિશિએટિવ સ્વરૂપે સને ૨૦૧૯માં સ્મોલ સ્કેલ સોલાર ડિસ્ટ્રિબ્યુશન પાવર પ્રોજેકટ અમલમાં મુકેલ છે, જે અંતર્ગત ગુજરાતમાં આશરે ૮૦૦૦ મેગાવોટ પાવર માટે અંદાજે રૂ. ૧૨ હજાર કરોડના રોકાણ માટે ઘણા સાહસિકોએ બિડિંગ કરેલ છે. આ યોજના અંતર્ગત હાલ GUVNL તથા ડીસ્કોમ કંપનીઓ ૨૫ વર્ષ માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરી રહી છે, જેની અવધી તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધીની છે . હાલના કોવિડ મહામારીના સંજોગોને ધ્યાનમાં લઈ આ અવધિ વધારવી આવશ્યક છે.

વિશેષમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટનો મુસદ્દો જયારે જાહેર થયો ત્યારે તેમાં સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર વતી પાવર ઓફ એટર્ની હોલ્ડર પણ ડીસ્કોમ કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરી શકે તેવી જોગવાઈ રાખવામાં આવેલ છે. જે કાયદા સાથે સુસંગત છે અને એ મુજબ ઘણા પાવર ઓફ એટર્ની હોલ્ડર સાથે ડીસ્કોમ કંપનીઓએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ એકિસકયૂટ પણ કરેલ છે.

આમ છતાં છેલ્લા આઠ દિવસથી ડીસ્કોમ કંપનીના અધિકારીઓ દ્વારા પોતાની મુનસફી મુજબ કોઈ પ્રકારની અગ્રિમ સૂચના વગર પાવર ઓફ એટર્ની હોલ્ડર થકી પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાના બંધ કરેલ છે. જેને કારણે ઘણા લોકો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવા જાય ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે આ કોરોના કાળમાં બિલકુલ યોગ્ય નથી.

વિશેષમાં કોઈ ઉંમરલાયક કે કો-મોર્બિડ વ્યકિત સોલાર પ્લાન્ટ લગાવવા જઈ રહી હોય ત્યારે આરોગ્યના કારણોસર પણ પોતે ન જાય અને પોતાના પાવર ઓફ એટર્ની હોલ્ડર મારફત પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરે તે સ્વાભાવિક છે અને ઇચ્છનીય પણ છે. વધુમાં ઉદ્યોગ સાહસિક રાજયમાં કોઈ પણ સ્થળે પ્લાન્ટ શરૂ કરવા માટેનું એગ્રીમેન્ટ પોતાને અનુકૂળ હોય તે જિલ્લામાં કરી શકે તેવી વ્યવસ્થા કરીને કોરોનાના સંક્રમણને વધતું રોકાવું જોઈએ એવી પણ માગણી ઉઠવા પામી છે.

અધિકારીઓએ દ્વારા લેવાયેલો પાવર ઓફ એટર્ની હોલ્ડર મારફત પાવર પરચેઝ એગ્રીમેન્ટ નહીં સ્વીકારવાનો તઘલખી નિર્ણય સરકારશ્રીની નીતિ વિરુધ્ધ છે અને સંવેદનશીલ સરકાર આ બાબતથી અવગત નહીં જ હોય તેવું જણાય છે.

સરકાર આ અંગે ત્વરિત ઘટિત કરે તેવી વ્યાપક માગણી થઈ રહી છે. આ બાબતે સરકારની સંવેદના કયારે જાગે છે તે જોવાનો વિષય બન્યો છે.

(4:15 pm IST)
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતી કાલે શનિવાર 24 મી એપ્રિલે સવારે 10.15 વાગ્યે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં કોલવડાની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા પી.એસ એ ઓકસીજન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ આ તકે ઉપસ્થિત રહેશે. access_time 11:08 pm IST

  • રાજયમાં કોરોનાની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર : કેટલાક કલીનીકલ પ્રોટોકોલમાં ફેરફાર જાહેર કર્યા : ગુજરાત સરકારની એકસપર્ટ ડોકટરોની પેનલે આજે કોરોના માટેની સારવારમાં આઈવરમેકટીન અને ફેવીપીરાવીર મેડીસીનનો ઉમેરો જાહેર કર્યો છે : હવે કોરોના માટેની સારવારમાં ઉપરની બે દવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારે નવી કલીનીકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ જાહેર કર્યાનું ડો.શાહએ જાહેર કર્યુ છે : તેમણે બીનજરૂરી દવા નહિં લેવાનું પણ કહ્યુ છે, અન્ય રાજયોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી તથા ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી નવી ગાઇડલાઈન જાહેર થઈ છે access_time 6:09 pm IST

  • દિલ્હીનાં ભાજપ સાંસદ મનોજ તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે. access_time 3:51 pm IST