Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોના બેન્ક ખાતા લીન્ક અપ નથી!!

સરકારે ૧ હજાર રૂપિયા જમા કરવાની વાત કરી પરંતુ ૩૫ ટકા લીન્ક અપ હોય હવે રાશનીંગ દુકાનદારો પાસે લીસ્ટ મંગાવ્યું !! : દુકાનદારોમાં ફાટી નીકળેલો રોષ : અમે માલ વેચી કે ફોન કરી BPL - અત્યોંદય - NFSA કાર્ડ હોલ્ડરને બોલાવીએ : રાજકોટ પુરવઠા તંત્રે દરેક દુકાનદારને ૧૫૦ થી ૩૦૦નું લીસ્ટ મોકલ્યું : દુકાનદારો કહે છે અમે કેસ જીતી ગયા છીએ છતાં આ કામ કરાવાય છે : દુકાનદારો દરેક કાર્ડ હોલ્ડર પાસેથી પાસ બુક મેળવી ઝોનલને આપશે ઝોનલ બાદમાં લીન્કઅપ કરી સરકારને મોકલશે : બાદમાં ૧ હજાર જમા થશે

રાજકોટ તા. ૨૩ : સરકારે ૩૫ લાખ જેટલા બી.પી.એલ., એન.એફ.એસ.એ. અંત્યોદય વગેરે રેશન કાર્ડ ધારકોના બેંક ખાતામાં રૂ. ૧૦૦૦ જમા કરાવવાની કામગીરી શરૂ કરી છે પરંતુ સ્થાનિક કલેકટર તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે સંકલનના અભાવે લાખો કાર્ડ ધારકોના બેંક ખાતામાં એન્ટ્રીઓ નહી પડતા આ ૧૦૦૦ની સહાય જમાં નથી થતી પરિણામે આ મુદ્દે રાજકોટ સહિતના જિલ્લાના કાર્ડ ધારકોમાં હોબાળો મચી ગયો છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે બી.પી.એલ. અંત્યોદય, એન.એફ.એસ.એ. વગેરે કાર્ડ હોલ્ડરોના બેંક ખાતામાં રૂ. ૧૦૦૦ની સહાય જમા કરાવવા તજવીજ હાથ ધરી છે પરંતુ 'ખાટલે મોટી ખોટ' એ કહેવત મુજબ રાજ્યના આવા લાખો કાર્ડ હોલ્ડરોના રેશનકાર્ડ બેંક ખાતા સાથે લીંક અપ નહી થતાં હવે આવા કાર્ડ હોલ્ડરોના ખાતામાં ૧૦૦૦ કેમ જમા કરાવવા તેવો પ્રશ્ન ઉઠયો છે.

દરમિયાન હવે કલેકટર દ્વારા શહેર - જિલ્લાના ૭૦૦ જેટલા પરવાનેદારોને દુકાન દીઠ ૨૫૦ કાર્ડ હોલ્ડરોના રેશનકાર્ડ બેંક ખાતા સાથે લીંક અપ કરી પાસ બુકમાં એન્ટ્રી વગેરેની કામગીરી સુપ્રત કરવા તજવીજ હાથ ધરતા આ મુદ્દે દુકાનદારોમાં પણ જબરો દેકારો બોલી ગયો છે. કેમકે અગાઉ દુકાનદારોની ફરજમાં આ બાબત ન આવતી હોવા છતાં આ કામગીરી સુપ્રત કરાઇ ત્યારે હાઇકોર્ટમાં કાનુની લડત પણ દુકાનદારો જીતી ગયા છે.

આ ઉપરાંત કેટલાક કાર્ડ ધારકો મૃત્યુ પામ્યા હોય આવા કિસ્સાઓમાં મુશ્કેલી થઇ શકે. આમ, રૂ. ૧૦૦૦ની સહાય બાબતે કલેકટર તંત્ર જબરૂ ધંધે લાગ્યું છે.

(4:09 pm IST)