Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

અમદાવાદ સોલા પોલીસનો નવતર પ્રયોગ : લોકડાઉનના અમલની કાળજી લેવા100 જેટલા સ્થાનિકોની ટીમ ઉતારી

વોલેન્ટિયર શાકભાજીની લારીઓ-દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સીગણું પાલન કરાવે છે

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને નવતર પ્રયોગ કર્યો છે સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં 100 જેટલા સ્થાનિકોની ટીમને ઉતારવામાં આવી છે. આ સ્થાનિકોની ટિમ દ્વારા શાકભાજીની લારીઓની વ્યવસ્થા સહીત સોસાયટીના લોકો લોકડાઉનનો ભંગ ન કરે તે અંગે ખાસ કાળજી રાખી રહી છે. જો કોઈ તેમની વાત ન માને કે લોકડાઉનના નિયમોનો ભંગ કરે તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લોકડાઉનનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, વિસ્તારના લોકો સ્થાનિકોનું વધુ માનતા હોય છે. તેવામાં સ્થાનિકોને વોલેન્ટિયર તરીકે લઈને તેમની કેટલીક સેવાઓ અમે લઈ રહ્યા છીએ. અમારા આ પ્રયોગનો ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે. ઘરમાંથી બહાર નીકળનારા લોકોને આ વોલેન્ટિયર સમજાવે છે અને તેઓનું લોકો માને પણ છે. છેલ્લા ઘણા સમયથી આ રીતે સ્થાનિકોની મદદ પોલીસ લઈ રહી છે. આવા વોલેન્ટિયરો શાકભાજીની લારીઓમાં, દુકાનોમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવું અને બિન જરૂરી લોકો ઘર બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે. જેનું સારું પરિણામ મળી રહ્યું છે.
   સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પોલીસે આવા પ્રયોગ કરવા પડે કે ખુદ પોલીસે કગરવું પડે તે અત્યંત શરમજનક છે. લોકોએ સ્વંય એટલા જાગૃત બનવું જોઈએ કે તંત્ર હોય કે પોલીસ તેમને કોઈ પ્રયોગો કરવા ન પડે અને લોકોને કગરવું ન પડે. ઘર બહાર નીકળી પડતા લોકો જાણે અજાણે અનેક લોકો માટે આફત ઉભી કરે દે છે. લોકડાઉનનું કડક પાલન જ આ મહામારી સામે લડવાનો યોગ્ય ઈલાજ છે.

(12:23 pm IST)