Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

કેન્દ્રીય NVBDCPના ડાયરેક્ટર ડૉ.નિરજ ઢીંગરાની આગેવાની હેઠળ રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે બેઠક મળી

આરોગ્ય ટીમે રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના ઝડપી સંક્રમણને અનુલક્ષીને તેની સામે રક્ષણાત્મક ઉપાય અને તકેદારીના ભાગરૂપે રાજપીપળા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલની કેન્દ્રીય NVBDCP-નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંન્ટ્રોલ પ્રોગ્રામના ડાયરેક્ટર ડૉ.નિરજ ઢીંગરાની આગેવાની હેઠળની કેન્દ્રિય આરોગ્ય ટુકડીએ આજે મુલાકાત લઇ વિવિધ વિભાગોમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય ટૂકડીની સાથે રાજ્યકક્ષાએથી પણ આરોગ્ય ટૂકડી આ પ્રવાસમાં સાથે જોડાઇ હતી.
કેન્દ્રિય નિયામક ડૉ.નિરજ ઢીંગરાએ કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ હોસ્પિટલ ખાતે જ જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, સીવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા સહિત સિવીલ હોસ્પિટલ ઉપરાંત આરોગ્ય વિભાગના અન્ય તબીબો તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક યોજીને નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારી સંદર્ભે પ્રવર્તમાન લોકડાઉનના અમલ તેમજ કોરોના વાયરસના સંક્રમણથી અસરગ્રસ્ત પોઝીટીવ દરદીઓને આઇસોલેશન હેઠળ અપાઇ રહેલી સારવાર ઉપરાંત હોમ કોરન્ટાઇન અને ગવર્મેન્ટ બેઇઝ ફેસીલીટી હેઠળ રખાયેલા કોરન્ટાઇન વ્યક્તિઓ, માસ સેમ્પલીંગની જિલ્લામાં થયેલી કામગીરી અંગેની જાણકારી મેળવી હતી.
જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ. કશ્યપે આ બેઠકમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નોવેલ કોરોનાના ૧૧ પોઝીટીવ કેસવાળા દરદીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિત તેમના તરફથી અન્ય વ્યક્તિઓ સાથે થયેલાં સંપર્ક અંગેની વિસ્તૃત જાણકારી આપવા ઉપરાંત જિલ્લામાં સારવાર હેઠળના દરદીઓના સેમ્પલની ચકાસણી સહિત માસ સેમ્પલીંગની ચકાસણી અન્વયે પ્રાપ્ત થયેલ પોઝીટીવ-નેગેટીવ રિપોર્ટની વિગતો ઉપરાંત કોરન્ટાઇન હેઠળની વ્યક્તિઓ ની આંકડાકીય જાણકારીથી પણ કેન્દ્રિય ટૂકડીને વાકેફ કર્યા હતા.

(9:20 pm IST)