Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વિદ્યાર્થીઓની પાસે ઉઘરાવેલી વધુ ફી પ્રશ્ને એફઆરસી ખફા

સાલ કોલેજનો એફઆરસી સમક્ષ ફરીથી ખુલાસો : એફઆરસીએ કોલેજ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારતાં કોલેજ સત્તાધીશો દ્વારા ખુલાસો કરાયો

અમદાવાદ,તા. ૨૩ : શહેરના સાયન્સ સીટી રોડ પર આવેલી સાલ કોલેજ ઓફ એન્જિયનીયરીંગ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે રીતે ઉઘરાવાયેલી ફીના વિવાદમાં ફી રેગ્યુલેટરી કમીટી(એફઆરસી)ની નોટિસ અને સ્પષ્ટ ચેતવણી બાદ પણ કોલેજ સત્તાવાળાઓ તરફથી વિદ્યાર્થીઓને તેમની પાસેથી ઉઘરાવાયેલી વધારાની ફી પરત નહી કરાતાં અને કોલેજ સત્તાવાળાઓ તરફથી સંતોષજનક ખુલાસો નહી કરાતાં ફી રેગ્યુલેટરી કમીટીએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઇ સાલ કોલેજને વધુ એક વખત નોટિસ ફટકારી છે અને તેની પાસેથી સોંગદનામા સાથે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. એફઆરસીએ કોલેજ સત્તાધીશોને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાયેલી વધારાની ફી તેઓને તાત્કાલિક પરત કરવામાં નહી આવે અને હુકમનું આ વખતે પાલન નહી થાય તો, ફી અંગેના કાયદાની કલમ-૧૩(૨) અને ૧૪ હેઠળ કોલેજ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એફઆરસીની આ નોટિસને પગલે કોલેજ સત્તાધીશોને ફરીથી પુરાવા સાથે ખુલાસો કરવાની ફરજ પડી હતી. ફી રેગ્યુલેટરી કમીટી દ્વારા સાલ કોલેજને ફટકારાયેલી નોટિસમાં જણાવાયું છે કે, એફઆરસીએ નિયત કરેલી ફીથી વધુ કોઇપણ પ્રકારની ફી કોલેજ ઉઘરાવી શકે નહી પરંતુ તેમછતાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ મથાળા હેઠળ વધારાની ફી ગેરકાયેદ રીતે ઉઘરાવવામાં આવી હોવાની ફરિયાદ કમીટીને મળી હતી. જેના અનુસંધાનમાં સાલ કોલેજને અગાઉ નોટિસ પાઠવી વિદ્યાર્થીઓને તા.૯મી ફેબ્રુઆરી સુધીમાં વધારાની ફી પરત કરવા તાકીદ કરાઇ હતી પરંતુ તેમછતાં તેનું પાલન કરાયું ન હતું. એફઆરસીમાં કોલેજ તરફથી જે ખુલાસો કરાયો હતો તે પણ સંતોષજનક અને જરૂરી આધાર પુરાવા સાથેનો નહી હોવાનું એફઆરસીએ જણાવ્યું હતું. કમીટીએ કોલેજ પાસેથી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાયેલી ડિપોઝીટમાંથી રૂ.એક હજાર કાપી લેવાના મામલે પણ ખુલાસો માંગ્યો છે. એફઆરસીએ ફરી એક વખતે કોલેજ સત્તાધીશોને સ્પષ્ટ તાકીદ કરી છે કે, વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાયેલી વધારાની ફી તાત્કાલિક ચેક મારફતે પરત કરી દેવી અને કોલેજે તેના દસ્તાવેજી પુરાવાઓ તા.૧૬મી માર્ચ સુધીમાં રજૂ કરી દેવા. કમીટીએ આ અંગે કોલેજને જરૂરી સોગંદનામું રજૂ કરવા પણ હુકમ કર્યું છે. દરમ્યાન સાલ કોલેજના પ્રિન્સીપાલ રૂપેશ વસાણીને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એફઆરસી તરફથી મળેલી નોટિસ મામલે તેમણે જરૂરી ખુલાસો કરી દીધો છે અને જે ફી ઉઘરાવવાની વાત છે તે અમે એલ્યુમની એસોસીએશન પેટે કાપતા હતા અને તે ફરજિયાત નથી. જે વિદ્યાર્થી ઇચ્છે છે તેની જ રકમ કાપવામાં આવતી હતી. જો કે, એફઆરસી સમક્ષ અમે જરૂરી પુરાવા રજૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ ડિગ્રીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ દ્વારા ફી સિવાય ડિપોઝીટ પેટે રૂ.૭૦૦૦ અને કોલેજ મટીરીયલ પેટે તેમ જ લેટ ફી ભરાય તો રૂ.૨૩૦૦થી વધુ ફી લેવાતાં ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ એફઆરસી સમક્ષ ફરિયાદ કરી હતી.

 

(8:18 pm IST)