Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટેટોડા નજીક હાઇવે પર ડ્રાઈવરને ચપ્પુની અણીએ રાખી પાંચ શખ્સો 21 લાખના જીરાની લૂંટ ચલાવી ગૂમ

ડીસા:તાલુકાના ટેટોડા ગામ નજીક મુખ્ય હાઈવે ઉપર  જીરૂ ભરેલી ટ્રક લૂંટવાનું કાવતરું કરી અજાણ્યા પાંચ ઈસમોએ પંચર થયેલા ટ્રકનું ટાયર બદલતાં ડ્રાઈવરને છરી બતાવીને  બંધક બનાવ્યો હતો અને તે બાદ ટ્રકમાં પડેલો  અંદાજીત ૨૧ લાખથી વધુના જીરાની બોરીઓ લૂંટી લીધી હતી. લૂંટારાઓના કબજામાંથી છુટેલા ટ્રક ચાલકે ડીસા તાલુકા પોલીસ મથકે આ મામલે ધોરણસરની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે પાંચ અજાણ્યા લૂંટારાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 બે દિવસ અગાઉ ટ્રક ચાલક હરીસિંગ બળવંતસિંગ ભાટી  ટ્રક ચાલક રાજસ્થાનથી ૨૮૬ બોરી જીરૂ ભરી ઊંઝા ગંજબજારમાં વેચાણ અર્થે લઈ જતો હતો. જોકે નિયત સમય સુધી ટ્રક ઊંઝા ન પહોંચતા આ મામલાની જીરૂના માલિકે તપાસ હાથ ધરતાં ડ્રાઈવરનો ફોન બંધ આવ્યો હતો. જેથી કંઈક અજુગતું થયાની શંકા આધારે તપાસ કરતા ંપ્રાથમિક તપાસમાં આ જીરૂ ભરેલા ટ્રક કંસારી ટોલટેક્ષ અને ભીલડી નજીકના ટોલટેક્ષથી પસાર થઈ હોવાનું માલુમ પડયું હતું. જોકે રાજસ્થાનથી આવતી આ ટ્રક ડીસા થઈ ઊંઝા જવાની હોવાથી ભીલડી તરફ ગઇ હતી જોકે વધુ તપાસમાં ચાલક થોડા કલાક બાદ મળીઆવ્યો હતો. જોકે તેણે ટ્રકને પાંચ અજાણ્યા શખ્સોએ લૂંટી લીધાની જાહેરાત કરી હતી. ડીસા તાલુકા પોલીસ મથકે  ટ્રક ચાલક હરીસિંગ બળવંતસિંગ ભાટી રહે. ઢીમડી, તા. ગુડામાલા, જી. બાડમેર (રાજસ્થાન)એ પાંચ આરોપીઓ વિરૂધ્ધ લૂંટની  ફરિયાદ પણ નોંધાવી હતી.

(6:02 pm IST)