Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ૧૨૬૪ વખત ગાળો બોલીઃ મોબાઇલ ટ્રેસ કરી આરોપીની ધરપકડ

અમદાવાદઃ જમીન વિવાદના એક કેસમાં પોલીસની કામગીરીથી નારાજ થઇને એક સિક્યુરીટી ગાર્ડે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ૧૨૬૪ વખત ગાળો ભાંડતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે હરકતમાં આવીને મોબાઈલનુ લોકેશન ટ્રેસ કરી આરોપીની ધરપકડ કરી છે. પોલિસ તપાસમાં વ્યક્તિ માનસિક બિમાર હોવાનુ સામે આવ્યુ હતું.

અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય ઈશ્વરભાઈ ઝેણાભાઇ ભોઇ છેલ્લા કેટલાક દિવસથી પોલીસ કંટ્રોલ રુમ અને ઈમરજન્સી સેવાના નંબર 100 પર વારંવાર ફોન કરતા હતા. દરમિયાન જે પણ વ્ય ક્તિ ફોન ઉપાડે તેને ગાળો બોલી તે ફોન મુકી દેતા હતા. વારંવારના ફોન કોલથી કંટાળી પોલિસ કન્ટ્રોલ રૂમના ઓપરેટરે કરેલ ફરીયાદના આધારે ઈશ્વરભાઈની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.

તપાસમાં સામે આવ્યુ છે કે ઈશ્વરભાઈ જમીન વિવાદ મુદ્દે પોલીસના કોઈ વલણથી નારાજ હતા. જેથી તેઓ હરકત કરી રહ્યા હતા. પોલીસને ઓપરેટરની ફરીયાદ મળ્યા બાદ સિટી ક્રાઈમબ્રાંચે શખ્સને શોધવા માટે એક ખાસ ટીમ બનાવી હતી. જેણે નંબર ટ્રેસ કરીને શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસ અધિકારી બીસી સોલંકીએ જણાવ્યુ કે તમામ ફોન નારોલ વિસ્તારની એક ફેક્ટરીમાંથી આવતા હતા. જેથી પોલીસની ટીમને ત્યાં મોકલી નારોલના મટનગલી વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાંથી ઈશ્વરભાઈની ધરપકડ કરાઈ હતી.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નારોલની ગોપી નામની ફેકટરીમાં વોચમેન તરીકે કામ કરતા ઈશ્વરભાઈ ભોઈની પત્ની તેને છોડી પિયર ચાલી ગઈ છે અને તેને કોઈ સંતાન નથી અને તે મેનિયાક પ્રકૃતિ ધરાવે છે તે પોતાના ભાઈઓ સાથે પણ ગાળ દઈને વાત કરે છે.

(5:19 pm IST)