Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મહેસાણાના આંબલિયાસણ બજાર વિસ્તારમાં ખાનગી સ્થળે તરછોડાયેલ નવજાત બાળકી મળી : હાલત ગંભીર

સીસીટીવી ફુટેજમાં તાજી જન્મેલ નવજાત બાળકીને ગર્ભનાળ સાથે તરછોડી હોવાનો ખુલાસો

મહેસાણા નજીક આંબલિયાસણ બજાર વિસ્તારમાં ખાનગી સ્થળે નવજાત બાળકી મળી આવી છે માતાએ પોતાની બાળકીનો જન્મ છુપાવવા કચરામાં તરછોડી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. લાંઘણજ પોલીસે બાળકીને તાત્કાલિક અસરથી સારવાર હેઠળ લાવી જીવીત રાખવા મથામણ આદરી છે. જ્યારે બાળકીની માતા અને પિતા સિધ્ધ કરવા ડીએનએ સહિતની તપાસ શરૂ કરી છે.

મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશન બજાર વિસ્તારમાં આવેલ ખાનગી કોમ્પલેક્ષ પાસેની જગ્યામાં નવજાત બાળકી મળી આવી હતી. કચરાના ઢગમાં તાજી જન્મેલી બાળકીના રડવાનો અવાજ સાંભળી સૌ કોઇ ચોંકી ગયા હતા. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસ તપાસમાં માતા અને પિતાની ઓળખ સાબિત કરવા ડીએનએ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લાંઘણજ પોલીસ મથકે ઈ.પી.કો કલમ ૩૧૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં સીસીટીવી ફુટેજમાં તાજી જન્મેલ નવજાત બાળકીને ગર્ભનાળ સાથે જીવીત હાલતમાં છોડી મુકવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. નવજાત બાળકીને ત્યજી દેનાર વાલી-વારસોની તપાસમાં માતા ઠાકોર ચેતનાબેન પ્રકાશજી તથા પિતા ઠાકોર પ્રકાશજી બાબુજી રહે.બન્ને ચલુવા તા.જી મહેસાણા વાળા હોવાનું જણાઇ આવ્યુ છે. જેમાં તેની માતાની ડી.એન.એ તથા ગાયનેક વિભાગ લગત તપાસ થવા સારૂ સિવીલ હોસ્પીટલ મહેસાણા ખાતે મોકલી આપેલ છે. જ્યારે બાળકીની તબિયત જોતા સારવાર હેઠળ રખાઇ છે.

(12:57 am IST)