Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ઉમરેઠ: ચેક રિટર્નના કેસમાં ચંદાસરાના ઈસમને કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી

ઉમરેઠ: પંથકમાં ચેકને કોરો કાગળ સમજી જેમ તેમ લોકોને પધરાવી ફુલેકુ ફેરવતા ઈસમો ઉપર કોર્ટ દ્વારા ફટાફટ નિકાલ કરી જે તે કસુરવારને સજા ફરમાવવાનો શીલશીલો યથાવત રાખવામાં આવ્યો છે. જેના ભાગરૃપે ગતરોજ ચેક બાઉન્સ કેસમાં ઉમરેઠના એડી.જ્યુ.મે. જજમેન્ટ આપતા આરોપીને એક વર્ષની સાદી કેદ તેમજ રૃ.૩૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રીસ દિવસની સજા ફટકારી હતી.
ઉમરેઠના વાધનાથ ચકલામાં રહેતા વિનોદભાઈ સાવંતે ઠાસરા તાલુકાના ચંદાસર ગામે રહેતા મિનેષ પટેલ પાસેથી સીફ્ટ ડીસાયર કાર ખરીદી હતી તે માટે તેઓએ મિનેષને રૃપિયા ૩.૫૦ લાખ રોકડા આપ્યા હતા. પરંતુ કોઈ કારણસર આ સોદો રદ્દ થતા મિનેષભાઈને તેઓએ કાર પરત કરી હતી સામે તેઓએ વિનોદભાઈને આપવા પુરા પૈસા ન હોવાને કારણે રૃ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી તેઓને ચેક આપ્યો હતો. ચેકની તારીખે વિનોદભાઈએ બેંકમાં ચેક જમા કરાવતા અપર્યાપ્ત બેલેન્સના શેરા સાથે ચેક પરત થતા વિનોદભાઈ સાવંતે આ અંગે મિનેષભાઈને વિશ્વાસભંગની નોટિશ પાઠવી હતી જે તેઓએ ન સ્વીકારતા આખરે ૩૧.૧૨.૨૦૧૩ના રોજ તેઓએ ઉમરેઠ કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ૧૩૮ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
તેઓના વકીલ એસ.કે.પારેખના જૂદા જૂદા ચુકાદા સાથેની દલીલો તેમજ રજુ કરેલા દસ્તાવેજો અને બચાવ પક્ષની દલીલો સાંભળીને ઉમરેઠના જ્યુ.મેં.ફ.ક. ન્યાયાધીશ એસ.એ.પઠાણે આરોપી મિનેશભાઈ ભાઇલાલભાઈ પટેલને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ સજા અને રૃ.૩૦૦૦ નો દંડ અને દંડ ન ભર્યે વધુ ૩૦ દિવસની સજા ફરમાવતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ચેક રીટર્નના કેસમાં કેસ લાંબો ચાલતો હોવાને કારણે આરોપીઓ ખુલ્લે આમ ફરી આવા કૃત્યો કરવા પ્રોત્સાહીત થતા હતા પરંતુ ઉમરેઠ કોર્ટમાં ૧૩૮ના કેસોમાં ઝડપથી સુનાવણી કરવામાં આવતા હવે લે-ભાગુ તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે જ્યારે કેટલાય કેસો બોર્ડ પર આવતાની સાથે જેતે રકમની લેણી-દેણી કરી નિપટાવી પણ દેવાયા હોવાનું સૂત્રો તરફ થી જાણકારી મળી હતી.

(5:39 pm IST)