Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભાજપ ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારી બેઠક થઇ

જુદા જુદા પાસાઓ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચાઃ લોકસભા ચૂંટણીના ભાગરુપે બક્ષીપંચ મોરચાના ભાગે આવતા કાર્યક્રમો અંગેની વિસ્તારપૂર્વક ચર્ચા હાથ ધરાઈ

અમદાવાદ,તા.૨૩: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રભારી આઇકે જાડેજાએ જણાવ્યું હતું કે, આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ દિનેશ અનાવાડીયાની અધ્યક્ષતામાં તથા ઓબીસી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી દયારામ, ગુજરાત પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિતિમાં  ભાજપા ઓબીસી મોરચાની પ્રદેશ કારોબારી યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાંથી ભાજપા ઓબીસી મોરચાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ભાગરૂપે બક્ષીપંચ મોરચાના ભાગે આવતા કાર્યક્રમો અંગેની ચર્ચા કરી તેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ગુજરાતના નાનામાં નાના ઓબીસી સમાજ સાથે સંપર્ક કરીને ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બક્ષીપંચ સમાજના હિતમાં જે-જે નિર્ણય કર્યા છે તેની વિગત આપવામાં આવશે. સમગ્ર રાજ્યના જિલ્લા અને મંડલ સુધીના બક્ષીપંચ મોરચાના પદાધિકારીઓ આ અલ્પકાલીન વિસ્તારક યોજનામાં જોડાશે. અલ્પકાલીન વિસ્તારક યોજનાનું આ કાર્ય ૧૦ દિવસ સુધી ચાલશે. ભાજપા આગામી ૧૧ થી ૧૭ ફેબ્રુઆરી સુધી સમર્પણ દિનનો કાર્યક્રમ યોજાશે. જેમાં બક્ષીપંચ મોરચા સહભાગી થશે. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણેક મન કી બાત કાર્યક્રમો આવી રહ્યા છે, તેમાં પણ બક્ષીપંચ સમાજના આગેવાનોને સંકલિત કરી મંડલ સ્તર સુધી બક્ષીપંચ મોરચાના આગેવાનો આયોજન કરશે. જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી ૧૫-૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પટના ખાતે  ભાજપા બક્ષીપંચ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે.

જેમાં ગુજરાતના ૫૦૦ જેટલા આગેવાન ભાગ લેશે. તે અંગેનું આયોજન પણ આ બેઠકમાં કરવામાં આવ્યુ હતુ.

એક પ્રશ્નના ઉત્તરમાં જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતની સુખ અને સમૃધ્ધિમાં વધારો થયો છે. ઉપરાંત આ સમિટ થકી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રે મોટા ઉદ્યોગગૃહો આવવાના કારણે નાના લઘુ ઉદ્યોગોને ઘણું બળ મળ્યું છે અને જ્યાં-જ્યાં નવા ઉદ્યોગો આવ્યા છે, ત્યાં માળખાકીય વિકાસ થયો છે. સૌથી મોટી બાબત એ છે કે, છેલ્લા ઘણા વર્ષોથી આજ સુધી ગુજરાત દેશનું સૌથી વધુ રોજગારી આપનાર રાજ્ય બની રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપા જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ૩૦૦ બેઠકોનું આયોજન હાથ ધર્યું છે. જેમાં પ્રદેશના ૧૭ થી ૧૮ જેટલા આગેવાન દ્વારા આ બેઠકોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને સંગઠનાત્મક સ્તરે દરેક બુથ સુધી યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવું આયોજન કરવામાં આવશે. શહેરી અને ગ્રામ્ય મંડળ ભેગા મળીને એક મંડલ બનાવશે. એક મંડલમાં ઓછામાં ઓછા ૭૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આ મંડલસ્તરની ૩૦૦ બેઠકોનો લાભ આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ માંથી ૨૬ લોકસભા બેઠક જીતવામાં ચોક્કસપણે થશે તેમ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.

 

 

ગુજરાત :  ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી હજુપણ વંચિત રહી

દિકરીઓ શિક્ષણના અધિકારથી વંચિત રહીઃ કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા સામે આવ્યા કન્યા શિક્ષણમાં ગુજરાત દેશમાં પાછળના ક્રમાંકે થકેલાયું

અમદાવાદ,તા.૨૩: ગુજરાતમાં ૧૪થી ૧૬ વર્ષની ૨૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. સમગ્ર દેશમાં સરેરાશ ૧૩.૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણથી વંચિત છે જ્યારે ગુજરાતમાં બમણી સંખ્યામાં દીકરીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. તેવા એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટ કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા પોલ ખોલી નાંખી છે. ત્યારે, વાઈબ્રન્ટ-ગતિશીલ-પ્રગતિશીલ ગુજરાત દેશમાં પાછલા ક્રમાંકે છે. ૨૩ વર્ષથી શાસન કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે વાસ્તવિક સ્થિતિ અંગે એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટ વાંચન, ગણન, લેખનની સાથોસાથ શિક્ષણમાં સુવિધા, ડ્રોપ આઉટ અને શિક્ષણના સ્તર અંગે અહેવાલમાં ગુજરાતમાં ૧૪થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણની વંચિત હોવાનું ખુલ્યું છે. ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૪.૯ ટકા કન્યા શાળા શિક્ષણ મેળવી શક્તા નથી. સમગ્ર દેશમાં ૧૩.૫ ટકા સરેરાશ  કન્યાઓ શાળા શિક્ષણથી વંચિત એટલે કે, દેશ કરતા ગુજરાતમાંબમણી સંખ્યામાં કન્યા શાળા શિક્ષણથી વંચિત રહે છે. અન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટમાં દેશના બિમારૂ રાજ્યો જેને ગણવામાં આવે છે તેવા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કન્યા-શિક્ષણની સ્થિતિ ગુજરાત કરતા ધણી સારી છે. શિક્ષણના હેતુ માટેના નાણા કરોડો રૂપિયા જાહેરાતો અને ઉત્સવોમાં વેડફી દેનાર ભાજપા સરકારના દિશા વિહીન અને ભ્રષ્ટ શિક્ષણ વિભાગની નીતિ રીતીનો ભોગ ગુજરાતના સામાન્ય-માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

(9:48 pm IST)