Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

જે ક્ષેત્રમાં કામ કરો તેમાં સો ટકા આપશો તો સફળ થવાશે

ડાન્સ પ્લસ સીઝન ૪નો પુનિત અમદાવાદમાં: સિઝન ૪માં આંચલ-સુજનને જીતાડવા રાજ્યના લોકોને વોટિંગ કરવા ડાન્સિંગ ગુરૂ પુનીતે કરેલી વિધિવત અપીલ

અમદાવાદ,તા.૨૩: તમે કોઇપણ ક્ષેત્રમાં કામ કરતા હોવ પરંતુ તમે તેમાં તમારી મહેનતના પૂરા સો ટકા આપો તો ચોક્કસ તમને ધાર્યુ અને સફળ પરિણામ મળશે જ. જીવનમાં મહેનત સિવાય બીજું કશું જ નથી. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી એમ અત્રે સ્ટારપ્લસના ધમાકેદાર અને લોકપ્રિય ડાન્સ શો ડાન્સ પ્લસ સીઝન ૪ના કેપ્ટન પુનીત જે.પાઠકે જણાવ્યું હતું. ડાન્સ પ્લસ સીઝન ૪ના તેની ટીમના ડાન્સ કન્ટેસ્ટન્ટ આંચલ અને સુજન સાથે અમદાવાદની મુલાકાતે આવેલા પુનીત પાઠકે જણાવ્યું હતું કે, ડાન્સ ૪ એક એવો શો છે જે ડાન્સીંગની દુનિયાની નવી જ ક્ષિતિજો ખોલી નાંખે છે અને દરેક સ્ટેજે એક નવા પડકાર અને ઉંચાઇઓ સર કરવાની રહે છે. જેના કારણે ઘણીવાર તો અમારે રાતભર જાગવું પડે છે અને ઉંઘ માણવા પણ મળતી નથી. મૂળ ગુજરાતના ચોરવાડના વતની અને ડાન્સીંગની દુનિયામાં પોતાની મહેનત અને અનોખા ડાન્સને લઇ સફળતાના શિખરો સરનાર પુનીત જે.પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, ડાન્સ પ્લસ સીઝન ૪ના પ્રદર્શનોએ માત્ર દેશના દર્શકો જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર તેમના ધમાકેદાર કૌશલ્યની નોંધ લેવા મજબૂર કરી દીધા છે. જેમાં ખ્યાતનામ સો અમેરિકાઝ ગોટ ટેલેન્ટ તરફથી બે ગ્રુપો વી-અનબિટેબલ્સ અને બી-યુનિકને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સુપર જજ રેમો ડિસોઝાએ શોની ચમકતી પ્રતિભાઓને પોતાની આવનારી ડાન્સ આધારિત ફિલ્મનો ભાગ બનાવવા માટે પણ પસંદ કરી છે, તે બહુ મોટી વાત કહી શકાય. પોતાના બંને કન્ટેસ્ટન્ટ નેપાળના સુજન અને આસામની આંચલ વિશે વાત કરતાં પુનીતે વધુમાં ઉમેર્યું કે, આંચલ અને સુજન તેની ટીમની સૌથી પ્રતિભાવાન જોડી છે. આંચલ અને સુજન આ સીઝનમાં એકલા પ્રદર્શનકર્તા તરીકે ઓડિશનમાં આવ્યા હતા પરંતુ રેમો ડિસોઝાએ તેમને એક જોડીના રૂપમાં રજૂ કરી તેમની કલાકૌશલ્ય વધુ નીખાર્યા છે. આ દમદાર જોડીએ સમગ્રગ દેશને તેમની તેજ મુવ્ઝ અને અર્વાચીની શૈલી સાથે એરોબિકસના અનન્ય સમન્વય વડે મંત્રમુગ્ધ કરી દીધા છે. આંચલ અને સુજન ગ્રાન્ડ ફિનાલેના મંચ પર પોતાની સર્વોત્તમ પ્રસ્તુતિ રજૂ કરી જાદુ પાથરવા જઇ રહ્યા છે. આગામી તા.૨ જી ફેબ્રુઆરીએ ડાન્સ પ્લસ સીઝન ૪નો ગ્રાન્ડ ફિનાલે યોજાશે, જે લોકોને ભરપૂર મનોરંજન અને ડાન્સની દુનિયાની અદ્ભુત પ્રસ્તુતિ જોવાની તક પૂરી પાડશે.

દરમ્યાન આ પ્રસંગે આંચલ અને સુજને જણાવ્યું હતું કે, ડાન્સ પ્લસ સીઝન ૪નો મંચ તેમને જીવનની એક નવી ઉંચાઇઓ અને ડાન્સની દુનિયાની બહુ દુર્લભ તક  પૂરી પાડી રહ્યો છે. ખાસ કરીને રેમો સરના માર્ગદર્શન અને પુનીત સર ગુરૂ તરીકે તેમની પ્રતિભાને બહુ બારીકાઇથી નીખારી રહ્યા છે. ડાન્સ પ્લસનો મંચ અમારા જેવા નાના ક્ષેત્રમાંથી આવનારા લોકોની પ્રતિભાને દુનિયા સમક્ષ લાવવામાં બહુ આશીર્વાદસમાન બની રહે છે, તેમાં કોઇ બેમત નથી.

 

(9:45 pm IST)