Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

શહેર કોટડાના પીઆઇ દ્વારા આપઘાતની અપાયેલી ધમકી

ઉપરી અધિકારીના કથિત ત્રાસનો વધુ એક કિસ્સો : બીડી ગમારે પોલીસ અધિકારીઓના વોટ્સએપના ગ્રુપમાં આત્મહત્યા કરવા માટે ચિમકી આપતાં તંત્રમાં ખળભળાટ

અમદાવાદ,તા. ૨૩ : સતત બંદોબસ્ત અને નોકરીના દબાણ હેઠળ કામ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનો માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે અને એક પછી એક પોલીસ અધિકારીઓ વિવિધ કારણસર આત્મહત્ય કરી રહ્યા હોવા છતાં રાજ્ય સરકાર અને સિનિયર પોલીસ અધિકારીઓની આંખ ખુલી રહી નથી. ગઇકાલે મંગળવારના રોજ અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર બી. ડી. ગમારે ઉપરી અધિકારી ડીસીપી આર.એફ.સંગાડાના કથિત ત્રાસને લઇ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતાં સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પીઆઇ બી.ડી.ગમારે અમદાવાદ પોલીસ અધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં લખ્યુ કે આ અધિકારીના ત્રાસને કારણે હું આત્મહત્યા કરી લઈશ. પોલીસ ઈન્સપેક્ટર બી. ડી. ગમાર દ્વારા જે વોટ્સએપ ગ્રુપમાં નોંધ મુકવામાં આવી તેમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત તમામ સિનિયર પોલીસ અધિકારીઓ પણ આ ગ્રુપના મેમ્બર છે. રાતના ૧૨-૦૯ વાગે શહેર કોટડા પોલીસ ઈન્સપેક્ટર ગમારએ લખ્યુ કે, સર હું હવે આ અધિકારના ત્રાસથી આપધાત કરી જીંદગી ટુંકાવીશ. પોલીસ ઈન્સપેકટરના આ લખાણ પણ પછી સિનિયર પોલીસ અધિકારીઓએ દોડધામ મચાવી મુકી હતી. ઈન્સપેક્ટરે વોટ્સએપ ગ્રુપમાં આ મેસેજ મુકવાની સાથે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને પણ ફોન કરી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે તેવી જાણકારી આપી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. સુત્રોની જાણકારી પ્રમાણે થોડા દિવસ પહેલા આ વિસ્તારના ડીસીપી આર.એફ.સંગાડાએ પોલીસ ઈન્સપેક્ટર ગમારને પોલીસ સ્ટેશનમાં કલર કામ કરાવવાનું કહ્યુ હતું. ડીસીપીના આદેશ પ્રમાણે કલર કામ તો થયુ પણ તેનું ૮૦ હજારનું બીલ કોણ ભરશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ડીસીપીએ કહ્યુ કે સરકાર તો આ પ્રકારના ખર્ચના પૈસા આપતી નથી તમારે જ વ્યવસ્થા કરી લેવાની, ત્યારે ઈન્સપેક્ટર ગમારે કહ્યુ કે તેમના વિસ્તારમાં તમામ પ્રકારના બે નંબરના ધંધા બંધ છે તેઓ ક્યાંથી પૈસા લાવે? આ મુદ્દે ઉગ્રતામાં આવી જતા ઈન્સપેક્ટર રજા ઉપર જતાં રહ્યા હતા. દરમિયાન તેઓ રજા ઉપરથી પરત ફરતા ડીસીપી પોલીસ સ્ટેશનના કેસોને ઓન લાઈન કેમ થયા નથી તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે ઈન્સપેક્ટરની દલીલ હતી કે, ઈ-ગુજકોકની સરકારી સાઈટ ધીમી ચાલતી હોવાને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે ડીસીપી ખાનગી ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનું કહેતા ફરી પૈસા કોણ આપશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તે મુદ્દે ફરી બોલાચાલી થતાં ઈન્સપેક્ટરે રાત્રે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જો કે હવે આ મુદ્દે ઈન્સપેક્ટરની સ્થિતિ સમજવાને બદલે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી સંભાવના છે. પીઆઇની આત્મહત્યાની ચીમકીને પગલે શહેર પોલીસ બેડામાં ખાસ કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ભારે ચકચાર મચી ગઇ છે. ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ આ સમગ્ર મામલે આંતિરક તપાસનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.

(8:21 pm IST)