Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

રાજયમાં કાયદો- વ્યવસ્થા અને મહિલા સુરક્ષા કથળી છેઃ ૪ર૦૦ બાળકોના અપહરણ નોંધાયા છેઃ ગાયત્રીબા વાઘેલા

રાજયમાં મહિલાઓની સલામતી પહેલા જેવી રહી નથીઃ મહિલાઓ સાથે દુરવ્યવહાર વધ્યો છેઃ પાંચ વર્ષમાં ૪૦૦૦ થી વધુ બળાત્કારઃ પ્રદેશ કારોબારીમાં ગાયત્રીબા વાઘેલાના ઠરાવને સજ્જડ ટેકા સાથે તંત્રનો કાન આમળવા કોંગ્રેસ પડશે મેદાને

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મળેલ કારોબારીની મીટીંગમાં અખીલ ભારતીય કોંગ્રેસના ટોચના નેતાઓ શ્રી અહેમદભાઈ પટેલ, શ્રી રાજીવ સાતવ, શ્રી જીતેન્દ્ર બધેલ, શ્રી મોહનજી તેમજ ગુજ. કોંગ્રેસ નેતાઓ શ્રી અમિત ચાવડા, શ્રી પરેશ ધાનાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા દ્વારા રાજ્યમાં કાયદોવ્યવસ્થા અને કથળેલી મહિલા સુરક્ષાના પ્રશ્નો ઉપસ્થિત કરતો ઠરાવ કરાયો હતો અને કારોબારીએ એક અવાજે સજ્જડ ટેકો આપી આ સંદર્ભે તંત્રનો કાન આંબળવા નક્કી કરાયુ હતું.

શ્રી ગાયત્રીબાએ જણાવેલ કે ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા વહીવટી મશીનરીનો બેફામ દુરૂપયોગ કરવામાં આવ્યો છે. વિશેષતઃ પોલીસ તંત્રનો રાજકીય હાથા તરીકે ઉપયોગ કરીને રાજકીય દ્વેષ દાખવવામાં આવે છે. એક સમયે શાંતિ, કાયદો અને વ્યવસ્થા માટે સમગ્ર દેશના ઉદાહરણરૂપ આપણું ગુજરાત આજે સામાન્ય પ્રજાજનો માટે અસલામત બની ગયું છે. મહિલાઓની સુરક્ષાના મામલે ગુજરાત બહુ પાછળ ધકેલાઈ ગયુ છે.

હત્યા, અપહરણ, બળાત્કાર, લૂંટ અને ચોરીના સમાચાર સામાન્ય બન્યા છે. પોલીસ ઉપર હુમલા થવાના બનાવો લગભગ રોજીંદા બની ગયા છે. ભાજપના શાસનમાં ૪૨૦૦ બાળકોના અપહરણના કિસ્સા નોંધાયા છે. રાજ્યમાં ભૂમાફિયાઓ બેફાન બન્યા છે. સૌથી વધુ ભ્રષ્ટાચારવાળા ખાતાઓમાં ગૃહ વિભાગનો સમાવેશ થાય છે. જમીન-મકાન પચાવી પાડીને ભૂમાફિયાઓને ભાજપના અગ્રણીઓ દ્વારા રાજ્યાશ્રય આપવામાં આવે છે. ગાંધી-સરદારના ગુજરાતમાં કસ્ટોડીયલ ડેથના કિસ્સા ભયજનક રીતે વધી રહ્યા છે. સરકાર સામે અવાજ ઉઠાવનાર, સરકારી નીતિઓનો વિરોધ કરનારાઓને ગેરબંધારણીય રીતે કચડી નાખવામાં આવે છે.

ગુજરાતની એ ઓળખ હતી કે, રાજ્યમાં મોડી રાત્રે પણ મહિલાઓ એકલી સલામત રીતે ઘરની બહાર નીકળી શકતી હતી અને હરીફરી શકતી હતી પરંતુ કમનસીબે છેલ્લા લગભગ અઢી દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસનમાં પાટણ-પીટીસી કાંડથી શરૂ કરીને આશારામ-નલિયા કાંડ સુધી અને દરરોજની મહિલાઓ સાથે દુર્વ્યવહારની અસંખ્ય ઘટનાઓની વાસ્તવિકતાએ ગુજરાતને શરમજનક પરિસ્થિતિમાં મુકી દીધુ છે. વિધાનસભામાં આપવામાં આવેલા જવાબ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારની ૪૩૯૪ જેટલી ઘટનાઓ બની છે. એટલે કે, દર બે દિવસે પાંચ મહિલા-દીકરીઓ બળાત્કાર-દુષ્કર્મનો ભોગ બની રહી છે.

ભાજપના કુશાસનમાં ગુજરાતના અખબારોમાં મહિલાઓ માટે અત્યંત અપમાનજનક એવા મીઠી ખારેક જેવા શબ્દોના મથાળાથી ગુજરાતના સંસ્કારી પ્રજાજનોના માથા શરમથી ઝૂકી જાય છે. મહિલાઓના એકંદર વિકાસ, પ્રગતિ પરત્વે ભાજપની સરકારે કયારેય કોઇ ગંભીર વિચારણા કરી નથી કે કોઇ નકકર પગલા-નીતિ-કાર્યક્રમો અપનાવ્યા નથી.

કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં સામાન્ય નાગરીક નિઃસહાય અને લાચાર બન્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની આજની વિસ્તૃત કારોબારી બેઠક ગુજરાતમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ પ્રત્યે ચિંતા વ્યકત કરીને કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે સરકાર અને ગૃહ વિભાગને જગાડવા પ્રજાની સલામતી માટે જનઆંદોલન કરશે.

વિશેષતઃ મહિલા સુરક્ષા અંગે રાજય સરકાર તાકીદે યોગ્ય અને અસરકારક પગલા લે એવી માંગણી સાથે આજની આ સભા ગુજરાતને ફરીથી એકવાર મહિલાઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવાનો સંકલ્પ કરે છે. તેમ ઠરાવમાં જણાવાયું હતું.(૪.૧૦)

 

(3:39 pm IST)