Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો.સ્ટિવન ઇ.નિસેન અને ડો.સમીર કાપડિયા શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ અમદાવાદની મુલાકાતે

તાજેતરમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો.સ્ટિવન નિસેન અને ડો.સમીર કાપડિયાએ શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં પણ છેલ્લા ૨ મહિનામાં ૨૦૦ ઓપન હાર્ટ સર્જરીઝ થઇ ચૂકી છે. ડો.સ્ટિવન ઇ.નિસેન કાર્ડિયોલોજીમાં જગવિખ્યાત નામ છે. આ ક્ષેત્રમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને જ ૨૦૦૭માં ટાઇમ મેગેઝિને પોતાની વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓની યાદીમાં ડો.નિસેનનો પણ સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત પણ ડો.સ્ટિવન સમાજોપયોગી કાર્યો કરતા રહે છે. વિવિધ ફાર્માસ્યૂટિકલ કંપનીઝ તેમને માર્ગદર્શન માટે બોલાવે તેના બદલામાં મળતી સઘળી ફી તેઓ દાનમાં આપી દે છે. મૂળ અમદાવાદમાં અભ્યાસ કરનાર અને અત્યારે અમેરિકાના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો.સમીર કાપડિયા પણ આ ક્ષેત્રના અગ્રગણ્ય ડોકટર્સમાના એક ગણાય છે. બ્રુનેઇના સુલતાનને જયારે હૃદયની તકલીફ થઇ ત્યારે તેમની હાર્ટ સર્જરી ડો.સમીર કાપડિયાએ કરી હતી. એવું કહેવાય છે કે માત્ર પ્રકૃતિ અને પ્રકૃતિની નિકટ રહીને જીવન જીવતા પક્ષીઓ અને બીજાં પ્રાકૃતિક તત્વોને કોઇ પણ પ્રકારની સરહદ નડતી નથી, બાકી પૃથ્વી પર ઇશ્વરના શ્રેષ્ઠ સર્જન કહેવાતા માનવની તો વાત જ ન્યારી છે. માનવે આ વિશાળ અને ખુલ્લી ધરતી પર વિવિધ સ્થળે લીટીઓ તાણીને અને કયાંક તો વળી માત્ર ધારણાઓ અને માન્યતાઓના આધારે સરહદો બનાવી લીધી છે. આવી આજની દુનિયામાં મોટાભાગની વસ્તુઓ અને બાબતો વિવિધ પ્રકારની સરહદોમાં બંધાયેલી છે. ભૌગોલિક રીતે પણ બધે સરહદો અંકાયેલી છે. પરંતુ આજે પણ કેટલાક અપવાદો છે જેમાં કોઇપણ પ્રકારની ભૌગોલિક સરહદ નડતી નથી આ અપવાદો પૈકીનો એક અપવાદ છે નિઃસ્વાર્થ સેવાકાર્ય. શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ દ્વારા અવિરત ચાલતો સેવાયજ્ઞ આ બાબતનું એક જીવંત ઉદાહરણ છે. જરૂરિયાતમંદ લોકોને તમામ અદ્યતન સુવિધાઓ સાથે વિનામુલ્યે અપાતી સારવારનો આ સેવાયજ્ઞ અને આટલા સુંદર આયોજન સાથેની આ હોસ્પિટલ જોઇને ડો. સ્ટિવન ખરેખર અભિભૂત થઇ ગયા હતા. તેમણે આ સેવાકાર્યની મુકતમને પ્રશંસા કરવા સાથે સેવાકાર્યને દિલથી શુભેચ્છાઓ પણ આપી હતી. આ હોસ્પિટલમાં ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓ જોઇને ડો. સ્ટિવને બેધડક રીતે કહ્યું હતું કે આ હોસ્પિટલ કોઇપણ અમેરિકન હોસ્પિટલના તોલે આવે તેવી છે.

મંતવ્યોઃ

''મારી અમદાવાદની મુલાકાતમાં શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલની મુલાકાત જ સૌથી યાદગાર હતી.''  - ડો. સ્ટીવન નિસેન

''મેં મારો અભ્યાસ અમદાવાદમાં કર્યો છે. રપ વર્ષ પછી અમદાવાદમાં આવી આધુનિક ચેરિટેબલ હોસ્પિટલ જોઇને અમદાવાદ માટે આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું.''  - ડો. સમીર કાપડિયા

(11:42 am IST)