Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

૨૬મીએ એક લાખ બ્રાહ્મણોની ગાંધીઆશ્રમથી બ્રહ્મકૂચ કરાશે

બ્રહ્મ સમાજ માટે બ્રહ્મ વિકાસની રચના કરવા માંગઃ બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિ દ્વારા તા.૨૬મીએ બ્રહ્મ અધિકાર રેલી : યજ્ઞેશ દવે દ્વારા સરકાર ઉપર પ્રહારો

અમદાવાદ,તા.૨૩, ગુજરાતમાં વસતા આશરે ૬૨ લાખ બ્રાહ્મણોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક, સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે રાજયમાં બ્રાહ્મણો માટે ખાસ  બ્રહ્મ વિકાસ આયોગની રચવાની ઉગ્ર માંગણી સાથે તા.૨૬મી જાન્યુઆરીએ શહેરમાં ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી એક વિશાળ બ્રહ્મકૂચ(બ્રહ્મ અધિકાર રેલી)નું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિ દ્વારા આયોજિત આ રેલીમાં રાજયભરમાંથી એક લાખથી વધુ બ્રાહ્મણો ઉમટવાનો અંદાજ છે, જેને લઇ સરકારના સત્તાવાળાઓ પણ ચિંતામાં મૂકાયા છે. પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન બાદ હવે બ્રહ્મસમાજ દ્વારા રણશિંગુ ફૂંકાતા સરકારના સત્તાવાળોને આ સમગ્ર મામલે ગંભીરતા રાખી વિચારવું પડે તેમ છે કારણ કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ નજીકમાં છે અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેથી બ્રહ્મસમાજના ફેકટરને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આ અંગે બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિના કન્વીનર અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષાના મહામંત્રી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ શાંતિ પ્રિય અને સમાજને કંઇક અર્પણ કરનાર સમાજ છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સરકાર દ્વારા અન્ય સમાજોની માંગણીઓ સંતોષવામાં અને અન્ય સમાજને સાચવવામાં બ્રાહ્મણ સમાજ જાણે ભૂલાઇ ગયો છે, અગાઉ બ્રહ્મ સમાજ દ્વારા ૨૦૧૫માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૃપાણીને બ્રહ્મ વિકાસ આયોગ રચવા મુદ્દે ઉગ્ર રજૂઆત અને માંગણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઇ પરિણામ આવ્યુ નથી, તેથી બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિને આ આંદોલનાત્મક શરૃઆત કરવી પડી છે. જેમાં તા.૨૬મી જાન્યુઆરીએ એક લાખથી વધુ બ્રાહ્મણો ગાંધી આશ્રમ પાસે સુભાષબ્રીજ નારાયણ ઘાટથી, રિવરફ્રન્ટ થઇ ડફનાળા, કેમ્પ-સરદાર નગર, ઇન્દિરા બ્રીજ, કોબા સર્કલ, ઇન્ફોસીટી સર્કલની ડાબી બાજુ, ઘ-ઝીરો સર્કલ અને ઘ રોડ થઇ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચશે અને ત્યાં પહોંચ્યા બાદ સરકારના સત્તાવાળાઓને કોર કમીટી દ્વારા બ્રહ્મ વિકાસ આયોગની ઉગ્ર માંગણી સાથેનું વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. સમિતિના કન્વીનર યજ્ઞેશ દવેએ વધુમાં ઉમેર્યું હતું કે, બ્રાહ્મણોના સન્માન અને સમગ્ર હિન્દુત્વની આસ્થા એવા કર્મકાંડી અને પૂજારી પરના હુમલાઓ વધી રહ્યા છે. બ્રાહ્મણો માટે હલકી કક્ષાના ઉચ્ચારણો કરવામાં આવે છે ત્યારે બ્રહ્મ સમાજની રક્ષા અને તેના ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગની રચના અનિવાર્ય બની ગઇ છે. દેશના કર્ણાટ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેવા રાજયોમાં બ્રાહ્મણ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાયેલા છે તે જ આધાર પર અહીં ગુજરાતમાં પણ બ્રહ્મ વિકાસ આયોગની રચના થવી જોઇએ. તા.૨૬મીની બ્રહ્મ અધિકાર રેલીમાં જોડાનાર ૧૦૦થી વધુ બસો અને ૨૨૦૦થી વધુ વાહનોની વિગત પોલીસ અને સત્તાધીશોને આપી દેવાઇ છે. અમારી કોઇ પક્ષ સામેની લડાઇ નથી પરંતુ સરકાર સમક્ષ ઉગ્ર માંગણી છે કે, બ્રાહ્મણોના હિત અને રક્ષાની જવાબદારી સરકારની છે અને પોતાના અધિકાર અને હકની લડાઇ માટે તા.૨૬મીએ બ્રાહ્મણો બહુ મોટુ શકિતપ્રદર્શન કરવા જઇ રહ્યા છે. બ્રહ્મસમાજની આ લડાઇમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, પાટીદાર સમાજ અને વૈષ્ણવ સમાજ સહિતના સમાજ દ્વારા સમર્થન જારી કરાયું છે. રાજયભરના ખૂણેખૂણેથી તા.૨૬મીએ બ્રાહ્મણો ખૂબ મોટી સંખ્યામાં રેલી જોડાવા આવનાર હોઇ સરકાર અને પોલીસ સત્તાવાળાઓ પણ સુરક્ષા વ્યવસ્થાને લઇ ચિંતિંત બન્યા છે.

 

(10:22 pm IST)