Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાર ચાલકે ખુલ્લા ખેતરની ઝુંપડીઓ રહેંસી : ૪ને ઇજા

જીવરાજપાર્કમાં અમન પાર્ટી પ્લોટ પાસેનો બનાવઃ ગફલતભરી રીતે કાર હંકારી અકસ્માત સર્જયો : આરોપી કારચાલક ફરાર, પોલીસની કારના નંબર આધારે તપાસ

અમદાવાદ,તા. ૨૩, શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોડી રાત્રે અને પરોઢે બેફામ ઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઇકાલે રાત્રે આવો જ એક બનાવ જીવરાજપાર્ક વિસ્તારમાં સામે આવ્યો હતો. જયાં અમન પાર્ટી પ્લોટ પાસે એક ખુલ્લા ખેતરમાં પૂરપાટઝડપે આવેલા કારચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી એક ઝુંપડીમાં ઘૂસાડી દેતાં ગરીબ પરિવારના ચાર સભ્યો કચડાઇ ગયા હતા અને ગંભીર ઇજાનો ભોગ બન્યા હતા. ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયારે બીજીબાજુ, આરોપી કારચાલક અકસ્માત સર્જયા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. વાસણા પોલીસે આરોપી કારચાલકની શોધખોળ શરૃ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક અમન પાર્ટી પ્લોટ પાસે આવેલા ખુલ્લા ખેતરમાં મજૂરી કામ કરતા છનુ નિનામા અને તેના ભાઇ દિનેશ નિનામા અને તેમનો પરિવાર ઝુંપડીઓ બાંધીને રહે છે. ગઇકાલે રાત્રે સાડા આઠથી નવ વાગ્યાની આસપાસ આ ગરીબ પરિવારના લોકો તેમના ઝુંપડામાં સૂઇ રહ્યા હતા ત્યારે અચાનક જ કંઇ ખબર પડે તે પહેલાં જ પૂરપાટઝડપે આવેલી એક કારે તેમના ઝુંપડા તોડી તેમને હડફેટે લઇ કચડી નાંખ્યા હતા. કારની ટકકરથી ઘાયલ ગરીબ પરિવાર અને તેમના બાળકો ચીસાચીસ અને કરૃણ આક્રંદ કરી રહ્યા હતા ત્યારે બીજીબાજુ, આ અક્સ્માતથી ગભરાઇ ગયેલો કારચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટયો હતો. ગંભીર એવા આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ગરીબ પરિવારને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જયાં નાના બાળકની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું છે. તો વાસણા પોલીસે કારના નંબરના આધારે ફરાર કારચાલકની તપાસ આદરી છે. પોલીસે હાલ તો કારચાલક વિરૃધ્ધ જરૃરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ અઠવાડિયા પહેલાં જ શહેરના મોટેરા રોડ પર ડ્રાઇવીંગ શીખવા નીકળેલા એક વેપારીએ કારના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર સીધી એક ઘરની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી, જેમાં બે મહિલાઓને ઇજા પહોંચી હતી. જેમાં એક મહિલાનું કરૃણ મોત નીપજયુ હતુ. આમ, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂરપાટઝડપે અથવા તો બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવાના બનાવો વધી રહ્યા છે.

(10:21 pm IST)