Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગૌમાતાને મળશે વધુ માન-સન્માન : ગુજરાતમાં ગૌસેવા આયોગ દ્વારા કાઉ ટુરીઝમ બનાવવા નિર્ણય

ગાંધીનગરઃ રાજય સરકાર દ્વારા ગૌમાતા માટે કાઉ ટુરીઝમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ગૌમાતાના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવશે.

ગુજરાતમાં એશીયાટીક લાયન એક સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર છે તેમ હવે ગુજરાત રાજય ગાય માટેનું આકર્ષણનું કેન્દ્ર બને તે હેતુથી ગુજરાત ગૌ સેવા આયોગ કાઉ ટુરીઝમ શરૂ કરવા જઇ રહયું છે. ગુજરાતમાં ગાયોને પાળતી ગૌ શાળાઓ છે ત્યારે આયોગને ગાય માટેનું ટુરીઝમ શરૂ કરવાનો વિચાર આવ્યો છે. ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ કહયું હતું કે ગાયોના રક્ષણ માટેનું જ્ઞાન આપતું ટુરીઝમ ગુજરાત શરૂ કરવા જઇ રહયું છે.

ગાયની પ્રત્યેક ચીજ પછી તે દુધ હોય કે ગૌમૂત્ર અને છાણ એના ઉપયોગ અને ફાયદા વિશે ટુરીસ્ટને સમજ આપવામાં આવશે. ગુજરાતની એવી કેટલીક ગૌશાળાઓનો પણ આયોગ સંપર્ક કર્યો છે. ગુજરાતની મુલાકાતે આવતા ટુરીસ્ટને આવી ગૌશાળાઓ બતાવવામાં આવશે. કાઉ ટુરીઝમમાં બે દિવસની ટુર રાખવાનું વિચારવામાં આવ્યું છે. ગાયના દુધ ગૌમૂત્ર અને છાણમાંથી બનતી પ્રોડકટસ અને દવાઓની ટુરીસ્ટને સમજ આપવામાં આવશે. આ આઇડીયા પાછળ ઇકોનોમીક આસ્પેકટ પણ છે. આ ટુરીઝમ થકી જે ઇન્કમ થશે તે ગૌશાળા અને ગાયોના વિકાસ માટે વાપરવામાં આવશે. વલ્લભ કથીરીયાએ કહયું હતું કે ટુરીસ્ટ માટે આખા ગુજરાતની ટ્રીપ કરવામાં આવશે. ગૌશાળા ઉપરાંત ગૌચર લેન્ડ કે જે આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલી છે તેનો પણ ટુરીસ્ટ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની અમદાવાદ, રાજકોટ અને ભુજની જેલમાં ગાય માટેના શેલ્ટર બનાવવામાં આવ્યા છે તે પણ ટુરીસ્ટને બતાવવામાં આવશે.

(7:44 pm IST)