Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કલોલ નજીક રાચરડા પાસે પુરપાટ ઝડપે જતી ટ્રકે બાઇકને ટક્કર મારતા દોઢ વર્ષીય બાળકીનું મોત: ચારને ઇજા

કલોલ:રાંચરડા પાસે પૂરઝડપે જતી ટ્રકની ટક્કરે બાઇક પર સવાર દંપતિ અને ત્રણ બાળકો પટકાયા હતા. જેમાં ટ્રકનું ટાયર ફરી વળતા દોઢ વર્ષની બાળકીનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બે પુત્રો અને પિતાને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે.

ભાડજ નજીક આવેલા એક ફાર્મમાં શનાભાઇ અને લલીબેન મજુરી કામ કરી ત્યાં જ રહે છે. તેમને સંતાનમાં દોઢ વર્ષની દિકરી કિંજલ તથા બે પુત્રો બળદેવ (ઉ.વ.૧૩) અને વિશાલ (ઉ.વ.૧૧) છે. બંને દિકરાઓ મામાને ત્યાં રહે છે. જો કે ઉતરાયણનો તહેવાર હોવાથી બંને દિકરાઓ માતા-પિતા પાસે ફાર્મ હાઉસમાં રહેવા આવ્યા હતા. ત્યારે ગઇકાલે પિતા શનાભાઇ, પત્નિ લલીબેન તથા બે દિકરા અને દિકરી બાઇક પર લોર જવા નીકળ્યા હતાં.બંને દિકરાઓને મામાને ત્યાં બાઇક પર મુકવા જતા હતા તે વખતે રાંચરડા પાસે પૂર ઝડપે આવતી ટ્રક નં.જી.જે.૪.એ.ટી.૯૩૬૩ના ચાલકે બાઇકને ગમખ્વાર ટક્કર મારતા પાંચેય જણા ફંગોળાયા હતા. જેમાં ટ્રકનું વ્હીલ દોઢ વર્ષની કિંજલ પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજડયું હતું.તથા બંને દિકરાઓને તથા માતાને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી. તેમજ શનાભાઇને શરીરે ગંભીર પ્રમાણમાં ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે સોલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ ઘટના બાદ ટ્રક સ્થળ પર મુકી તેનો ચાલક ફરાર થઇ ગયો હતો. માતા લલીબેનની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે ટ્રક ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, સાંતેજ વિસ્તારમાં અકસ્માતના બનાવો વધી ગયા હોવાથી વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

(5:49 pm IST)