Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ : આંબાવાડીમા તલવાર- ચાકુથી હુમલો કરતા મહિલાને ગાલ પર 88 ટાંકા આવ્યા!

આંબાવાડીના ભુદરપુરામાં ગુંડાઓએ તલવાર અને ચાકુથી ઘાતક હુમલો કરતા મહિલાને ડાબા ગાલ પર 88 ટાંકા આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલાના આ બનાવમાં મહિલા સહિત ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ આધારે એલિસબ્રિજ પોલીસે આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આંબાવાડીના ભુદરપુરામાં પતિ, બે બાળકો સાથે રહેતા સાવિત્રીબહેન ઉર્ફે સાલુબહેન કિશનભાઈ ભીલ (ઉં,35)એ નોંધાવેલી ફરિયાદ મુજબ,ગત રવિવારે સાંજે પડોશી લક્ષ્મણભાઈ લાલુભાઈ ચૌહાણ સાથે સાવીતરીબહેનના પરિવારને સામાન્ય બોલાચાલી થઈ હતી. જે અંગે લક્ષ્મણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ઝઘડાનું સમાધાન કરવા સાલુબહેનએ વાત કરતા લક્ષ્મણભાઈએ ઇન્કાર કર્યો હતો.

સોમવારે રાત્રે 9 વાગ્યે લક્ષ્મણભાઈ સહિતના લોકો સાલુબહેનના પરિવારને બ્લોક પાસે નીચે ઉભા રહી અપશબ્દો બોલતા હતા. સાલુબહેન અને તેમના પરિવારના સભ્યોએ નીચે જઈ આરોપીઓને અપશબ્દો ન બોલવા કહ્યું હતું.

 

આ મામલે વાતાવરણ તંગ થતા લક્ષ્મણ લાલુભાઈ ચૌહાણ, કલ્પેશ ઉર્ફે દપો લાલુભાઈ ચૌહાણ અને રોહન પ્રકાશભાઈ ચૌહાણએ ઉશ્કેરાઈ જઈ સાલુબહેનના સંબંઘી વિષ્ણુભાઈ પરમાર પર પાઈપથી હુમલો કર્યો હતો.લક્ષ્મણની પુત્રી રીયાએ વાળ પકડી સાલુબહેન નીચે પટક્યા હતા. તે સમયે સાલુબહેન ઉભા થવા જતા લક્ષ્મણએ તલવારનો ઘા માર્યો હતો. સાલુ બહેનને ડાબા ગાલ પર 15 સે.મી. લાંબો ચીરો પડી ગયો અને લોહીના ફુવારા ઉડ્યા હતા. ગંભીર ઇજાને પગલે સાલુબહેન બેહોશ થઈ ફસડાઇ પડ્યા હતા. આ સમયે કનુ રણછોડભાઈ વચ્ચે પડતા આરોપી કલ્પેશએ તેઓના ગાલ પર ચપ્પુ મારી ઇજા કરી હતી.

હુમલાને પગલે ભોગબનનારએ બચાવ માટે બુમાબુમ કરતાં સ્થાનિકો સ્થળ પર દોડી આવતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા.ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં. સારવાર દરમિયાન સાલુબહેનને ડાબા ગાલ 88 ટાંકા આવ્યા હતા. મહિલા પર થયેલા જાનલેવા હુમલાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ અંગે સાલુબહેનની ફરિયાદ આધારે એલિસબ્રિજ પોલીસે આરોપી લક્ષ્મણભાઈ લાલુભાઈ ચૌહાણ, કલ્પેશ ઉર્ફે દપો લાલુભાઈ ચૌહાણ, રિયા લક્ષ્મણભાઈ ચૌહાણ તથા રોહન પ્રકાશભાઈ ચૌહાણ વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:43 pm IST)