Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સિક્યુરિટી ગાર્ડ સુતો રહ્યો અને તસ્કરો હાથ ફેરો કરી ગયા

નરોડાના ન્યૂ શાહીબાગ વિસ્તારની ઘટના : પોલીસ ઈન્સપેક્ટર પોસ્ટિંગ ઉપર સુરત હતા અને ચોર સોના-ચાંદી અને રોકડ ચોરી ગયા : પોલીસની વધુ તપાસ

અમદાવાદ, તા. ૨૨ : નરોડાના ન્યૂ શાહીબાગ વિસ્તારમાં પોલીસ ઈન્સ્પેક્ટર કુલદીપદાન ગઢવીના મકાનમાં શુક્રવારે રાત્રે ચોર ઘૂસ્યા અને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા. કુલદીપદાન હાલમાં સુરતમાં ફરજ પર છે અને ત્યાં પોતાના પરિવાર સાથે રહે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે જ્યારે આ ચોરીની ઘટના બની ત્યારે સિક્યુરિટી ગાર્ડ સૂઈ રહ્યો છે અને બે ચોર ઘરમાં ઘૂસતા દેખાઈ રહ્યા છે.

પોલીસ અધિકારીના ઘરે ચોરી થઈ તે જ રાત્રે શહેરના અન્ય વિસ્તાર બાપુનગરમાં પણ ચોરોએ એક હોટલ અને બે દુકાનોમાં ચોરી કરી હતી. જોકે આ બાબતે હજુ સુધી ફરિયાદ નોંધાવવા માટે કોઈ આગળ આવ્યું નથી.

પોલીસ ફરિયાદ મુજબ, કુલદીપદાનને સોસાયટીના સિક્યુરિટીએ ફોન કરીને કહ્યું તેમના ઘરમાં ચોરી થઈ છે. જેથી પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાના બનેવીને શક્તિદાનને જાણ કરી અને કહ્યું કે તેઓ ગ્રાઉન્ડ ફ્લોરના કબાટમાં તપાસ કરે કે ત્યાં સોના-ચાંદીના સિક્કા, ૨૦ હજાર રોકડ સહિત ૧.૩૨ લાખની વસ્તુઓ છે કે નહીં. નરોડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.કે. સોલંકીએ જણાવ્યું કે, શક્તિદાને જ્યારે ઘરે તાપાસ કરી તો રોકડ અને ઘરેણાં ગુમ હતા. જ્યારે અમે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં જોવા મળ્યું કે બે તસ્કરો દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કરે છે. આ દરમિયાન વોચમેન સૂઈ રહ્યો છે. તસ્કરોને પકડવા માટે અમે આગળ વધુ તપાસ કરી રહ્યા છીએ.

(8:46 pm IST)