Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં પાંચ લોકોના કોરોના પોઝીટીવ

કુલ 275 પેસેન્જર સહિત તમામ સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાવાયો : નેગેટિવ આવેલા તમામને હોમ કોરોન્ટાઇનમાં રખાશે

અમદાવાદ :ભારતથી લંડન જતી તમામ ફલાઈટો હાલ બંધ કરી દેવામાં આવી છે. જયારે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171માં 246 મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાથી પાંચ લોકો કોરોના પોઝિટિવ આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જો કે આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, જો મુસાફરનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવશે અને જો તેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને ડોક્ટરની દેખરેખ હેઠળ તેના ઘરે જ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવશે. જો કે, જે તે મુસાફરને ટેસ્ટ દરમિયાન મુશ્કેલી ન થાય તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં જ ચા-નાસ્તાની સાથે બપોરના લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

લંડનથી અમદાવાદ આવી રહેલા જમાઈ અને વેવાણને લેવા આવેલા મણિનગરના રહેવાસી શરદ ઉપાધ્યાય સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે સવારથી આખો પરિવાર ચા-કોફી લઈને આવ્યા હતા. હવે અહીં 6થી 8 કલાક જેટલો સમય બેસવું પડશે. અમે રાહ જોઈશું.

ટેસ્ટ માટે કોર્પોરેશનની બે ટીમ અને DDOની ટીમ PPE કિટ સાથે એરપોર્ટ પર હાજર છે. સરકારના આદેશ મુજબ, આ ફ્લાઈટમાં આવનારા તમામ 246 પેસેન્જરોને એરપોર્ટ ટર્મિનલમાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પેસેન્જરોને ઘરે જવા દેવામાં આવશે. લંડનથી આવનારા તમામ પેસેન્જરોને લેવા માટે તેમના સંબંધીઓ વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. લોકો તેમનાં પરિવારજનોને ટેસ્ટ કર્યા બાદ બહાર આવવા દેશે, એની જાણ છતાં આવી પહોંચ્યા છે

(6:48 pm IST)