Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વિરમગામ એપીએમસી ખાતે કૃષિ બિલ અંગે જનજાગૃતિ કરતી પત્રિકાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું

ભાજપ દ્વારા પ્રકાશિત પત્રિકાઓનું નેતાઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :અમદાવાદ જિલ્લાના સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઇન્ચાર્જ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યસભાના સાંસદ  રમીલાબેન બારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ  હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા મહામંત્રીઓ, પુર્વ ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓ દ્વારા વિરમગામ એપીએમસી ખાતે સંસદમાં પાસ થયેલા કૃષિ બિલ અંગે જનજાગૃતિ કરતી પત્રિકાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન ભાજપ સરકાર પોતાના પહેલા કાર્યકાળથી જ ખેડૂતોના હિત પ્રત્યે પ્રતિબદ્ધ છે. ખેડૂતોને લલચાવવાની જાહેરાતોના બદલે પ્રધાનમંત્રી  મોદીએ કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ અને ખેડૂતોને સશક્ત બનાવવા પર વિશેષ ભાર આપ્યો છે. સરકાર ખેડૂતોની આવકને બમણી કરવાના લક્ષ્યને લઈને ચાલી રહી છે અને આ દિશામાં અનેક પગલાઓ લેવાયા છે . સંસદમાં પાસ થયેલા કૃષિ બિલથી 70 વર્ષ બાદ દેશના અન્નદાતાઓને વચેટિયાઓના ચૂંગાલમાંથી મુક્તિ મળશે સાથે જ પોતાની ઉપજને પોતાની ઇચ્છાનુસાર કિંમતે વેચવાની આઝાદી મળશે. પહેલા આપણા ખેડૂતોનું બજાર માત્ર સ્થાનિક APMC સુધી જ સીમિત હતું. તેમના ખરીદદાર સીમિત હતા, માળખાગત સુવિધાઓનો અભાવ હતો, કિંમતોમાં પારદર્શિતા ન હતી. આ કારણે ખેડૂતો પર માલના પરિવહનનો વધુ ભાર, લાંબી લાઈનોમાં ઉભા રહેવું હરાજીમાં વિલંબ અને સ્થાનિક માફિયાઓનો માર સહન કરવો પડતો હતો. હવે આ કાયદાથી કૃષિ ક્ષેત્રમાં આમૂલા પરિવર્તન આવશે, કૃષિ સેક્ટરમાં ખાનગી રોકાણથી તેનો ઝડપી વિકાસ થશે તથા નવી રોજગારીની તકોનું પણ સર્જન થશે, કૃષિ ક્ષેત્રની અર્થવ્યવસ્થા મજબૂત થતા દેશની આર્થિક સ્થિતિ સુદ્રઢ થશે. ખેડૂતોનું એક દેશ - એક બજાર’નું સ્વપ્ન પણ પૂરુ થશે. તેમ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા પ્રકાશિત પત્રિકામાં જણાવવામાં આવ્યું છે.

(6:07 pm IST)