Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ઔદ્યોગિક બાંધકામ માટે 1.80 FSI મળવા પાત્ર થાય તેવી જોગવાઇ કરો: મુખ્યમંત્રીને ચેમ્બર દ્વારા રજૂઆત

સુરત : દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોમર્શિયલ વપરાશની જેમ ઔદ્યોગિક બાંધકામ માટે કુલ 1.80 FSI મળવા પાત્ર થાય તેવી જોગવાઇ કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે

ચેમ્બરે રજૂઆતમાં મુખ્યમંત્રીને જણાવ્યું છે કે, ગુજરાતના કોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન (CGDCR)ના ટેબલ નં. 6.8માં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવતા વિસ્તારમાં બેઝ FSI (ફલોર સ્પેસ ઇન્ડેક્ષ) 1.00 મળવા પાત્ર છે. જ્યારે આ જ વિસ્તારમાં કોમર્શિયલ વપરાશ માટે બેઝ FSI 1.00 તથા 0.8 પેઈડ FSI મળીને કુલ 1.80 FSI મળવા પાત્ર થાય છે.

જો કે, દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાવર લૂમ,એમ્બ્રોઇડરી અને ગારમેન્ટ જેવા નાના – નાના ઉદ્યોગો આવેલા છે. આથી સીજીડીસીઆર મુજબ આવી ઇન્ડસ્ટ્રીઝને માત્ર 1.00 FSI મળવા પાત્ર છે. જેથી ઉદ્યોગકારો દ્વારા જરૂરીયાત મુજબનું પુરતું બાંધકામ કરી શકાતું નથી. આથી નાછૂટકે તેઓને નિયમ મુજબ મળવા પાત્ર બાંધકામ કરતાં વધારે બાંધકામ કરવાની ફરજ પડે છે.

આમ સીજીડીસીઆરના ટેબલ નં. 6.8માં જણાવ્યા મુજબ, કોમર્શિયલ વપરાશ માટે 0.8 પેઈડ FSI મળવા પાત્ર છે, ત્યારે આવા પેઈડ FSIનો લાભ ઇન્ડસ્ટ્રીયલ વપરાશકર્તાઓને પણ મળે તો તેઓ જરૂરિયાત મુજબનું બાંધકામ કરી શકે. વળી, આ 0.8 પેઈડ FSIથી સરકારને પણ મોટી આવક થઇ શકે તેમ હોવાથી આ અંગેની જોગવાઇ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

(6:06 pm IST)