Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે નજીક પંચર માટે ઉભેલ કંટેનર પાછળ પૂરપાટ ઝડપે આવતું ડમ્પર ઘુસી જતા બંને ક્લીનરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં મૃત્યુઆંક પણ સતત વધી રહયો છે. ત્યારે ગઈકાલે વહેલી પરોઢે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ધણપ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક કલીનરનું મોત થયું છે. જે ઘટનાની મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના નીંબાહેરીમાં રહેતા સાજીદ હકીમુદીન ખાન અને તેમનો કલીનર ગફાર રોજદારખાન ગત શનિવારે રાજકોટથી ટ્રાન્સપોર્ટ કન્ટેનર લઈને રાજસ્થાન જવા નીકળ્યા હતા. ગઈકાલે વહેલી પરોઢે ચાર વાગ્યે ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપરથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન તેમના કન્ટેનરના ટાયરમાં પંચર પડયું હતું. જેથી ધણપ પાસે કન્ટેનર રોડસાઈડમાં કરીને કલીનર ગફારખાન જેક ચઢાવી ટાયર ખોલતો હતો સમયે પાછળથી પુરઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે ડમ્પર કન્ટેનરની પાછળ ઘુસાડી દીધું હતું. જેના કારણે કન્ટેનર જેક ઉપરથી ઉતરી જતાં કલીનર ગફારખાન દબાઈ ગયો હતો અને અકસ્માતના કારણે ડમ્પરના ચાલક અને કલીનરને પણ ઈજાઓ પહોંચી હતી. દોડી આવેલા લોકોએ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ગફારની તબીયત લથડતાં તેને અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે કન્ટેનરના ચાલકની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

(5:33 pm IST)