Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સુરતના વરાછામાં એમ્બ્રોડરી જોબવર્કર સાથે 30.25 લાખની ઠગાઈ આચરનાર અભિનંદન માર્કેટના વેપારીની પોલીસે ધરપકડ કરી

સુરત: શહેરના વરાછાના એમ્બ્રોઇડરી જોબવર્કર સાથે રૂ.30.25 લાખની ઠગાઈ કરનાર અભિનંદન માર્કેટના વેપારીની વરાછા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલયની સામે મારૂતીધામ બંગ્લોઝ ઘર નં.77 માં રહેતા 52 વર્ષીય ગીરધરભાઈ નાનજીભાઈ વેકરીયા વરાછા જગદીશનગર ખાતે ખાતા નં.77,78 માં ત્રીજા માળે એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. નવ વર્ષ અગાઉ તેમની દલાલ મારફતે ઓળખાણ રીંગરોડ જે,જે. માર્કેટમાં વર્કવાળી સાડીનો વેપાર કરતા મહેશ ઝાલા સાથે થઈ હતી. તેમની સાથે વર્ષ સુધી વ્યવસ્થિત ધંધો ચાલ્યો હતો

જોકે, અચાનક ધંધો બંધ કરનાર મહેશ ઝાલાએ મે 2018 માં રીંગરોડ અભિનંદન માર્કેટમાં શ્રીજી ક્રિએશનના નામે ફરી ધંધો શરૂ કર્યો ત્યારે ફરી ગીરધરભાઈનો સંપર્ક કરી એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવવાનું શરૂ કર્યું હતું. જોકે,જુલાઈ માસથી શરૂ થયેલા નવા ધંધામાં મહેશ ઝાલાએ શરૂઆતના બે મહિના સમયસર પેમેન્ટ કર્યા બાદ 10 સપ્ટેમ્બર 2018 થી 11 જુલાઈ 2019 દરમિયાન કરાવેલા એમ્બ્રોઇડરી જોબવર્કના રૂ.30,25,157 નહીં ચૂકવી છેતરપિંડી કરતા છેવટે ગીરધરભાઈએ મહેશ ઝાલા વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:32 pm IST)