Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિસ્‍તારના વિવિધ પ્રોજેક્‍ટો અને 31 જેટલી ટેક્‍નોલોજી આધારીત સેવાઓની તાંત્રિક કામગીરી માટે 112 લોકોનું મહેકમ મંજૂર

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી) નો કાયદો ગત 1 ફેબ્રુઆરી 2020 ના રોજ અમલમાં મુકવામાં આવ્યો છે.કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન વિવિધ પ્રોજેક્ટોના અમલીકરણ, જાળવણી માટે સત્તામંડળ હેઠળનું મહેકમ મંજુર કરવા ગત 9/11/2020 ના રોજ ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીની ઓફિસ હાલ કેવડીયામાં નિર્માણ પામી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિવિધ પ્રોજેક્ટો અને 31 જેટલી ટેકનોલોજી આધારિત સેવાઓની તાંત્રિક કામગીરી માટે 112 લોકોનું મહેકમ મંજુર કરાયું છે.જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલન અને જાળવણી માટે 1 અધિક્ષક ઈજનેર, 1 કાર્યપાલક ઈજનેર, 3 કાર્યપાલક ઈજનેર, 10 મદદનીશ ઈજનેર/અધિક મદદનીશ ઈજનેર અને 20 લોકોનો અન્ય સ્ટાફ તથા અન્ય પ્રોજેક્ટોની જાળવણી માટે 1 અધિક્ષક ઈજનેર, 4 કાર્યપાલક ઈજનેર, 7 નાયબ કાર્યપાલક ઈજનેર, 20 મદદનીશ ઈજનેર/અધિક મદદનીશ ઈજનેર અને 43 લોકોના અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે વધુ 51 લોકોનું મહેકમ કેવડિયા ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવ્યું છે.

જ્યારે વહીવટી કામગીરી માટે 1 સીઈઓ, 2 એડિશનલ કલેકટર, 4 ડેપ્યુટી મામલતદાર, 4 મામલતદાર, 1 એકાઉન્ટ ઓફિસર, 3 ડિવિઝનલ એકાઉન્ટન્ટ, 6 મેડિકલ ઓફિસર, 1 આયુર્વેદિક ઓફિસર, 14 પુરુષ હેલ્થ વર્કર, 6 મહિલા હેલ્થ વર્કર, 1 પંચકર્મ ટેક્નિશિયન, 1 ટીપીઓ, 6 જુનિયર ટીપીઓ, 16 પ્લાનિંગ આસિસ્ટન્ટ, 2 હેડ સુપરવાઈઝર, 20 સર્વેયર, 15 અન્ય કર્મચારીઓ, 27 ફાયર મેન, 2 એસઆઈ, 4 પીએચએસ, 10 એસઆઈ, 1 ટુરિઝમ જનરલ મેનેજર, 3 ડેપ્યુટી ટુરિઝમ જનરલ મેનેજર, 6 ટુરિઝમ ડેપ્યુટી મેનેજર, 8 પીઆર ઈવેન્ટ આસિસ્ટન્ટ મેનેજર, 8 પ્રોટોકોલ ઓફિસર, 8 ડેપ્યુટી મામલતદાર, 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 3 પીએસઆઈ, 4 એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ, 6 કોન્સ્ટેબલ મળી કુલ 201 લોકોનું મહેકમ મંજુર કરાયું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌ પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના સંચાલન તથા વધુ વિકાસ માટે એક અલાયદા એકમની જોગવાઈ કરાઈ છે.જ્યારે SSPA હેઠળ નિમણૂક પામેલા 2 નાયબ કલેકટર અને 2 નાયબ મામલતદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ફરજ બજાવે છે તેમને તેમની મૂળ જગ્યાઓ ઉપરાંત કેવડિયા ઓથોરિટી હેઠળ તબદીલ કરવામાં આવ્યા છે.કેવડિયા જંગલ સફારીના દેખરેખ માટે રચાયેલી સોસાયટી માટે 81 નિયત તથા 88 આઉટ સોર્સની જગ્યાઓ કાર્યરત છે.વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી તથા સરદાર ઝુઓલોજીકલ પાર્ક સોસાયટીને ઓથોરિટી હેઠળ તબદીલ કરવામાં આવી છે.ક્રેક્ટર્સ ગાર્ડનનું સંચાલન હાલ ગીર ફાઉન્ડેશન કરી રહ્યું છે.કેવડિયા ઓથોરિટી માટે વર્ષ 2020-21 ના બજેટમાં 50 કરોડની જોગવાઈ પણ કરેલી છે.

  • કેવડીયા ઓથોરિટી બનતા જમીન માફિયાઓ લાળ ટપકાવી રહ્યા છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી) બનતા જમીન માફિયાઓ વધુ સક્રિય કેવડિયા વિસ્તારની જમીન પર લાળ ટપકાવી રહ્યા છે.જમીન દલાલો કેવડિયા વિસ્તારના ગરીબો પાસેથી એકરની કિંમતમાં જમીનો લઈ ફૂટની કિંમતમાં વેચે છે અને કરોડો લાખો રૂપિયા કમાય છે.આદિવાસીઓની જમીનની કિંમત બાબતની અજ્ઞાનતાનો લાભ જમીન માફિયાઓ લઈ રહ્યા છે.તો આ મામલે તંત્રએ પગલાં ભરવા જરૂરી બન્યા છે.

  • કેવડીયામાં આરોગ્ય-શિક્ષણ સુવિધા જરૂરી

કેવડિયા ઓથોરિટી બનતા ત્યાં હવે વિકાસના કામને વેગ આપવામાં આવી રહ્યો છે.હાલ ગરુડેશ્વરમાં એક CHC છે પણ એના પર આસપાસના 70 ગામોનો ભાર છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વર્ષમાં 1 કરોડ પ્રવાસીઓ લાવવાનું સરકાર આયોજન કરી રહી છે ત્યારે ત્યાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે સાથે સ્કૂલ-કોલેજ પણ બનવી જોઈએ એવી લોક માંગ ઉઠી છે.

(4:30 pm IST)