Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

અમદાવાદમાં પૈસા કમાવવા માટે પહેલી વાર 7.36 લાખનો દારૂ મંગાવ્‍યો અને ત્રણ સુખી સંપન્‍ન પરિવારના શખ્‍સો ઝડપાઇ ગયા

અમદાવાદ: 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતીઓ દારૂ માટે તલપાપડ થઇ રહ્યા છે. આ તકનો લાભ લઇને કેટલાક લબરમુછીયા યુવાનો પણ વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા માંગી રહ્યા છે. તેવામાં અમદાવાદ પોલીસ પણ દારૂના દુષણને ડામવા માટે સતત પ્રયાસરત્ત છે. સોલા પોલીસે આવા જ કેટલાક લબરમુછીયા યુવાનોને પકડ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસને પકડાયેલા કિશોરો પાસેથી ઉંચી બ્રાન્ડનો મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આ તમામ યુવાનો સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે.

આરોપીઓ 2 મહિના પહેલા રાજસ્થાનના કુંભલગઢ ખાતે ફરવા માટે ગયા તા. દારૂના વેપારી સાથે મુલાકાત કરી હતી. વેપારીએ કહ્યું કે, દારૂની જરૂર પડશે ત્યારે અમે મંગાવીશું તમે મોકલી આપશો. 2 મહિના બાદ આ યુવાનોએ દારૂના વેપારીઓને ઓર્ડર આપ્યો હતો. આ દારૂ નરોડા ખાતે આવી પહોંચ્યો હતો. નરોડાથી આરોપીઓ દારૂ લઇને સોલા આવી રહ્યા હતા. દરમિયાન પોલીસે પહેલાથી મળેલી બાતમીના આધારે તેમને ઝડપી લેવાયા હતા. પોલીસ દ્વારા હાલ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જો કે તમામ યુવાનોનું કહેવું છે કે તેમણે પૈસા કમાવા માટે આ પહેલીવાર કર્યું હતું. સોલા પોલીસે મુદ્દામાલ તરીકે 7.36 લાખનો માલ અને આરોપીઓ દર્શક પટેલ, વરૂણ પટેલ અને કિશન પટેલની ધરપકડ કરી છે. હાલ સોલા પોલીસ આ યુવાનો દ્વારા પહેલીવાર જ દારૂ મંગાવાયો છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. તેના આધારે તેમની વિરુદ્ધ વિવિધ કલમો લગાવાશે.

(4:28 pm IST)