Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

એનઆરઆઈ લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ

દરવર્ષે બે હજારથી વધુ લગ્ન થતાં: ૬૦૦ થી ૭૦૦ લોકો ભેગા મળીને લગ્ન માણતા

રાજકોટઃ તા.૨૨, ગુજરાતનાં કેટલાક જિલ્લા એવા છે કે જયાંથી વિદેશ જઈને વસનારા કે પછી નોકરી માટે ગયા હોય એવા દરેક ઘર છે. ગુજરાતનાં આણંદ અને ખેડા જિલ્લાના મોટાભાગના ઘર એવા છે કે જે લોકો એનઆરઆઈ છે. આ ભારતીય મૂળના લોકો તેના માંગલિક પ્રસંગો માટે વતન આવીને કુટુંબ સાથે પ્રસંગ ઉજવવામાં માને છે આ વર્ષે લગ્નની મૌસમ આખી ગઈ પરંતુ દરવર્ષે જેટલા લગ્ન થાય છે તેટલા થયા નથી. દરવર્ષે લગ્નના મુહૂર્ત હોય ત્યારે અને કમહુર્તા હોય ત્યારે પણ લગ્નની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.

આ વર્ષે કોરોનાને લીધે વિદેશથી વતન આવવા માટે પણ અનેક મુશ્કેલીઓ માઠી પાર થવું પડ્યું છે ત્યારે અહી આવીને પરિવાર સાથે પ્રસંગ માણવાની મજાની વાત તો ખૂબ રહી જાય છે. અને એવામાં પણ સરકારની ગાઈડલાઇનનું પાલન પણ તો જરૂરી બને છે આથી એનઆરઆઈ માટે આ વર્ષની લગ્નની સિઝન કોરો ગઈ એમ કહીએ તો પણ ચાલે. ધર્મજ, દાવોલ, બોદાલ, ભાદરણ, સોજીત્રા, કાવીઠા, અગાસ, આશી, સહિતના ગામડા તેમજ નડિયાદ, આણંદ, બોરસદ, જેવા શહેરોમાં તમામ ઘર એવા છે કે જયાંથી ઘરનું એક માણસ તો કેનેડા, અમેરિકા, ફિઝી, ઓસ્ટ્રેલીયા, જેવા દેશોમાં જઈને વસ્યા હોય.

 વિદેશમાં રહેતા લોકોમાં ભારતીય સંસ્કૃતિ માટે વિશેષ આકર્ષણ જોવા મળે છે, ત્યાં રહેતા ગુજરાતીઓ લગ્ન કે એવા કોઈ મોટા પ્રસંગને માણવા માટે અહી ભારત આવીને પરિવાર સાથે ઉજવાતા હોય છે. એવામાં આ વર્ષે લગ્નની સિઝન કોરી ગઈ હોવાથી લગ્ન સાથે જોડાયેલા વ્યવસાયને પણ ધક્કો લાગ્યો છે.

આ વર્ષે ફ્લાઇટ બધી બંધ હોવાને લીધે અહી વસતા પરિવારના એનઆરઆઈ ભારત આવી શકયા નથી, દરવર્ષે બ્રિટેન, અમેરિકા સહિતના દેશો માથી અહી પરિવારને મળવા લોકો આવતા હોય છે. વિદેશમાં ઠંડીની સિઝનમાં રજાઓ હોવાથી ત્યાં વેકેશનનો માહોલ હોય છે અને તેના લીધે જ આ સમય દરમ્યાન એનઆરઆઈ ભારત વધુ આવતા હોય છે અને આ રજાનો ઉપયોગ પરિવાર સાથે પ્રસંગ માણવામાં કરતાં હોય છે આ વર્ષે આ તમામ મનસૂબાઓ પર જાણે પાણી ફરી વળ્યું છે.

એક મહિનામાં  ૨ હજારથી વધુ લગ્ન થતાં

નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં દરેક જીલ્લામાં થઈને ૨ હજારથી વધુ લગ્ન થતાં, આ લગ્નના સમારંભમાં છસ્સો થી સાતસો જેટલા લોકો ભેગા થતાં. આ લગ્ન સમારંભ એનઆરઆઈનો હોવાથી તેમાં આવતા લોકો મોટાભાગે આર્થિક રીતે સદ્ઘર હોવાથી અહી આવીને ખરીદી કરતાં હોવાથી અહીના વેપારીઓને પણ આ લગ્નનો લાભ મળી રહેતો. જો કે કોરોનાને લીધે આ વર્ષે ધંધામાં પણ મંદી જોવા મળી છે. ઘરેણાં, કપડાં, ઘરવખરી, ડેકોરેશન, જેવા વ્યવસાય માટે ૮૦ થી ૯૦ % જેટલો ધંધામાં ફેર પડ્યો છે. દરવર્ષે થતાં ધંધા કરતાં આ વર્ષે માત્ર ૩૦ % ધંધો જ થયો છે.

(3:41 pm IST)