Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

દેશમાં સૂરત એક માત્ર બ્રીડીંગ સ્પોટ : દેશભરના ઝૂ માંથી આવી રહી છે માંગ

પુરમાં આવેલ બે જળ બિલાડીમાંથી હવે થઇ છવ્વીસ

સુરત,તા. ૨૨: ૨૦૦૬માં તાપીમાં આવેલ પુરમાં તણાઇને આવેલ બે માદા જળબિલાડીઓ સુરતને જળબિલાડીના બ્રિડીંગ સ્પોટ તરીકે આખા દેશમાં ઓળખ આપશે એવું કોઇએ નહોતુ વિચાર્યું. આજે સુરતમાં દેશનું એક માત્ર એવું ઝું છે જ્યા જળબિલાડીઓનું બ્રિડીંગ થઇ રહ્યું છે અને બી ઝુમાં મોકલાય છે. સુરતના સરયાણા નેચર પાર્કના વેટરનીટી ઓફીસર ડોકટર રાજેશ પટેલે જણાવ્યું કે ૨૦૦૬માં તાપી નદીના પુરમાં તણાઇને બે માદા જળ બિલાડીઓ આવી હતી જેને ઝુમાં સોંપી દેવાઇ હતી. સફળતા પૂર્વકના બ્રીંડીગના કારણે અહીં અત્યાર સુધીમાં ૨૬ બચ્ચાઓ જન્મી ચૂકયા છે.

ઝૂ મેનેજમેન્ટ અનુસાર, દેશભરના ઝૂ માંથી જળ બિલાડીની માંગણી થઇ રહી છે. હાલમાં રાજકોટ, નવી દિલ્હી, કાનપુર અને મૈસુરના ઝુ તરફથી માંગણી આવી છે. સુરતના ઝૂમાં જે પ્રાણીઓ નથી તેમના બદલમાં જળબિલાડીઓ આપવામાં આવશે.

ડો.રાજેશ પટેલે જણાવ્યું કે, દેશમાં લગભગ ૫૧૦ ઝુ છે પણ સુરતનું ઝુ એક માત્ર એવુ ઝુ છે જ્યાં જળબિલાડીનું બ્રીડીંગ સફળતાપૂર્વક થઇ રહ્યું છે. એટલે અહીંથી જળબિલાડીની જોડીઓ અન્ય ઝુ ને પણ આપવામાં આવે છે. એકસચેન્જ સ્કીમ હેઠળ આમ કરવામાં આવે છે. થોડા સમય પહેલા રાયપુર ઝુને જળબિલાડીને જોડી આપીને ત્યાંથી વાઘ અને વાઘણ લવાયા હતા. આ ઉપરાંત અમદાવાદ, ચંદીગઢ અને હૈદ્રાબાદના ઝુને પણ જળબિલાડીની જોડીઓ અપાઇ છે. આ ચાર શહેરોને જળબિલાડીની જોડીઓ આપ્યા પછી પણ હજુ સુરત ઝુમાં ૧૮ જળબિલાડીઓ છે. તેમની સંખ્યા બ્રીડીંગ દ્વારા વધારવામાં આવશે અને ત્યાર પછી જ જે શહેરોમાં તેની માંગણી કરી છે તેમને અપાશે.

(2:47 pm IST)