Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ ધોરણ ૯ થી૧૨ ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં શહેરી વિસ્તારમાં ૩૬ના બદલે ૨૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ના બદલે ૧૮ વિદ્યાર્થીઓ

વર્ગ ઘટાડો નહીં કરાઇ : શાળા સંચાલકોની રજુઆત બાદ નિર્ણય : એક વર્ષ સુધી જ અમલી રહેશે

અમદાવાદ,તા. ૨૨: રાજયની ધોરણ-૯થી ૧૨ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ દ્યટાડાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. શહેરી વિસ્તારમાં ૩૬દ્ગક્ન બદલે ૨૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ના બદલે ૧૮ વિદ્યાર્થીઓ હોય તો વર્ગ ઘટાડો કરવામાં નહીં આવે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. આ નિર્ણયનો અમલ એક વર્ષ પુરતો જ રહેશે. ત્યારબાદ અગાઉની જોગવાઈનો અમલ રહેશે.

રાજયની દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યા કેટલી હોવી જોઈએ તથા વર્ગ વધારા-દ્યટાડા, ગ્રાન્ટ કાપ અને સરાસરી હાજરી અંગેની નિતી નક્કી કરેલી છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ-૧૦નાં પરિણામ ઓછું આવેલું હોવાથી તથા કોવિડ-૧૯ના મહામારીથી સર્જાયેલી પરિસ્થિતીને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશ પર અસર પડી છે. જેના કારણે શાળાઓમાં મોટા પ્રમાણમાં વર્ગો બંધ થાય તેમ હોવાથી અને તે કારણે મોટા પ્રમાણમાં વર્ગ ઘટાડા કરવા પડે તેમ હોઈ અનેક શિક્ષકો ફાજલ થવાની સંભાવના છે. જેથી હાલની વર્તમાન અસામાન્ય પરિસ્થિતીને ધ્યાને લઈ છુટછાટ આપવા અંગે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

દરખાસ્તના પગલે સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના સમયગાળા માટે શરતોને આધીન છુટછાટ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ઠરાવમાં કરવામાં આવેલી જોગવાઈનો માત્ર વર્ગ દ્યટાડા માટે ધ્યાને લેવાની રહેશે તેવું સ્પષ્ટ જણાવાયું છે. રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯થી ૧૨ના વર્ગ વધારા માટે શિક્ષણ વિભાગના ૨૦૧૧ના ઠરાવથી નિયત થયેલી વિદ્યાર્થી સંખ્યાની જોગવાઈઓ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે, વર્ગ વધારા માટે શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ માટે ૬૦ અને ત્યાર પછીના વર્ગ માટે ૩૬ જયારે ગ્રામ્યમાં પ્રથમ વર્ગ માટે ૬૦ અને બીજા વર્ગ માટે ૨૪ના સંખ્યા જ ધ્યાને લેવાની રહેશે.

રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯થી ૧૨ના વર્ગ માટે શહેરી વિસ્તારમાં ૩૬ વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે. તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા ૨૫ જાળવવાની રહેશે અને ગ્રામ્ય વિસ્તાર માટે ૨૪ વિદ્યાર્થી સંખ્યા નિયત થયેલી છે તેના બદલે સુધારેલી વિદ્યાર્થી સંખ્યા ૧૮ જાળવવાની રહેશે. એક કરતા વધુ વર્ગો માટે શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગ ૬૦ અને બીજો વર્ગ ૩૬ના બદલે પ્રથમ વર્ગ ૪૨ અને બીજો વર્ગ ૨૫ની રહેશે. જયારે ગ્રામ્ય વિસ્તાર માટે પ્રથમ વર્ગ ૬૦ અને બીજો વર્ગ ૨૪ના બદલે પ્રથમ વર્ગ ૪૨ અને બીજો વર્ગ ૧૮ની જાળવવાનો રહેશે

શહેરી વિસ્તારમાં ૨૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૮ની વિદ્યાર્થી સંખ્યા જળવાતી ન હોય તેવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ ઘટાડા કરવાની કાર્યવાહી કરાશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવની છુટછાટ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના સમયગાળા માટે આપવામાં આવી છે. આ મુદ્દત પૂરી થયા બાદ આ ઠરાવ આપોઆપ રદબાતલ ગણાશે.

(12:55 pm IST)