Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા મુન્દ્રા વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના કરાશે

લક્ઝમ્બર્ગની કંપની સાથે કૂલિંગ બોક્સ બનાવવા અંગે કરેલી ચર્ચાવિચારણાંને અંતે મુન્દ્રાની પસંદગી

ગુજરાતમાં વેક્સિનને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા માટે લક્ઝમ્બર્ગની કંપની સાથે કૂલિંગ બોક્સ બનાવવા અંગે કરેલી ચર્ચાવિચારણાંને અંતે આ કંપની ગુજરાતના મુન્દ્રા વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના કરવા માટે તૈયાર થઈ રહી હોવાનો નિર્દેશ કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને આપ્યો છે

 . દેશના અંતરિયાળ વિસ્તારના નાનામાં નાના ગામ સુધી રસી પહોંચાડી શકાય તે માટે રસીનું ટ્રાન્સપોર્ટ કરવા માટેના બોક્સ બનાવવા માટેની લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી ઝેવિયર્સ બીટેલની ઑફરને નવેમ્બરના અંતમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો હતો. આ ઑફર અંગે આગળ વધેલી ચર્ચાને અંતે આ કંપની વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કૂલિંગ બોક્સ બનાવવાનો પ્લાન્ટ ભારતમાં નાખવા તૈયાર થઈ હતી. આ કંપની સ્પેશિયાલાઈઝેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન બોક્સ તૈયાર કરશે.
સૂત્રોના કહેવા મુજબ લક્ઝમ્બર્ગની કંપની બી મેડિકલ સિસ્ટમ્સે તેની હાઈલેવલ ટીમની ગુજરાતની મુલાકાત લેવા મોકલી હતી. આ કંપની વેક્સિનની જાળવણી માટે કોલ્ડ ચેઈન ઊભી કરશે. તેમાં સોલાર વેક્સિન રેફ્રિજરેટર્સ, ફ્રિજર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સનો પણ સમાવેશ થાય છે.
આત્મનિર્ભર ભારતની યોજના હેઠળ લક્ઝમ્બર્ગની આ કંપની ભારતમાં પ્લાન્ટ નાખવા માગે છે. પરંતુ તે પ્લાન્ટ નખાતા બે વર્ષનો સમય લાગી જાય તેમ હોવાથી તેઓ આરંભમાં ચાર ડિગ્રીથી માઈનસ 20 ડિગ્રી ટેમ્પરેચરમાં વેક્સિન મોકલે તેવા સાધનો મોકલશે. આ કંપની માઈનસ 80 ડિગ્રીમાં તે મોકલવાની ક્ષમતા ધરાવતા ઉપકરણો વિકસાવી ચૂકી છે. વિદેશ મંત્રી એસ.જયશંકર આ પ્લાન્ટની કામગીરનું મોનિટરિંગ કરશે.

(11:14 am IST)