Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

રાજ્યમાં ધો.9 થી 12માં 31 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ આપવાની છેલ્લી તારીખ

વિદ્યાર્થીઓને છેલ્લી તક: કોવીડને કારણે 3 વખત તારીખ લંબાવી હતી.: હવે તારીખ લંબાવશે નહીં

અમદાવાદ : રાજયમાં કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો. 9થી 12માં પ્રવેશ મેળવવા માટેની 3 વખત તારીખ લંબાવી હતી. હવે વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવામાં આવી છે. આ માટે તા.31 ડિસેમ્બર સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી પ્રવેશ આપવાની છૂટ આપવામાં આવી છે. હવે પછી પ્રવેશ માટેની તારીખ લંબાવવામાં આવશે નહીં તેવી જાહેરાત કરી છે.

રાજ્યમાં કોવિડ-૧૯ની  પ્રવર્તમાન પરિસ્થિતીને કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા. જેથી કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા. આ બાબતને ધ્યાનમાં લઇને રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી શાળા કક્ષાએ પ્રવેશ આપી શકાશે અને ૩૧ ઓક્ટોબર સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન બોર્ડની કચેરીને મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇને કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાથી વિદ્યાર્થીઓને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે તેવો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો છે. બોર્ડ દ્વારા હવે પછી પ્રવેશની તારીખ લંબાવવામાં આવશે નહીં તેમ પણ જણાવાયું છે.

(10:25 am IST)