Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

નાનકડી વિશાખા ધામેલીયાએ રાજ્યકક્ષાનો જયદીપસિંહજી જૂનિયર એવોર્ડ હાંસલ કર્યો

અત્યાર સુધીમાં વિવિધ ટુર્નામેન્ટમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા યોજાયેલ રમતોમાં કુલ 102 મેડલ મેળવ્યા

અમદાવાદ : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાએ સતત ત્રણ વર્ષ સુધી ગોલ્ડ મેડલ મેળવનાર રમતવીરોને વિવિધ એવૉર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અંતર્ગત ધામેલિયા વિશાખાને આજે જયદીપસિંહજી જુનિયર એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. રાજ્ય કક્ષાએ આ એવોર્ડ કાર્યક્રમ યોજાતો હોય છે. પરંતુ કોરોનાને કારણે આ વર્ષે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી-સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.

ધામેલિયા વિશાખાએ ત્રીજા ધોરણથી જિમ્નાસ્ટિક રમવાનું શરૂ કર્યું છે. તેણીએ પહેલી જ નેશનલ કોમ્પિટિશનમાં ચંદીગઢ ખાતે બ્રોંઝ મેડલ મેળવીને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. આજ સુધીમાં ખેલ મહાકુંભ, જિમ્નાસ્ટિક એસોસિએશન આયોજિત ટૂર્નામેન્ટ, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા યોજાયેલ રમતોમાં કુલ 102 મેડલ મેળવ્યા હતા

 

ધામેલિયા વિશાખાએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થી સમયનું યોગ્ય આયોજન કરે તો અભ્યાસ સાથે રમતગમત ક્ષેત્રે પણ આગવી સિદ્ધિ હાંસલ કરી શકે. માતા-પિતા અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.

એવૉર્ડની ખુશી વ્યક્ત કરતાં ધામેલિયા વિશાખાએ જણાવ્યું હતું કે, રમતગમત ક્ષેત્ર મને માર્ગદર્શન આપનાર સૂર્યપુર વીર વ્યાયામશાળાના પંકજભાઈ કાપડિયા, રવિભાઈ તાંદલેકરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જિમ્નાસ્ટિક એસોસિએશન કૌશિકભાઈ બીડીવાલા અને રણજિતભાઈ વસાવા તરફથી પણ હંમેશા પ્રોત્સાહન મળ્યું છે. આજ સુધી મેં પી.પી.સવાણી વિધાભવન, બાયોનિક્સ ઇંટરનેશનલ એકેડેમી અને કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કર્યો છે. આ તમામ શાળા પરિવાર દ્વારા પણ હંમેશાં સહયોગ પ્રાપ્ત થયો છે. મારા માતાપિતા અને ધામેલિયા પરિવારે પણ હંમેશાં પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું.

આજના સમયમાં આપણે અભ્યાસનું ખૂબ મહત્ત્વ આપીએ છીએ, પણ રમતગમતને પણ મહત્ત્વ આપવાની જરૂર છે. જો માતાપિતા અને શાળા પરિવાર વિદ્યાર્થીઓને યોગ્ય પ્રોત્સાહન આપે તો આજના વિદ્યાર્થીઓ મતગમત ક્ષેત્રે પણ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી શકે તેમ છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા પણ નેશનલ પ્લેયરને વિવિધ યોજના અંતર્ગત આર્થિક મદદ કરવામાં આવે છે. જે ખૂબ આનંદની વાત છે.

(9:41 pm IST)