Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઓરી ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર : સિસોદ્રા રેતીની લિઝ ને કારણભૂત ગણાવતા ગ્રામજનો

એક તરફ ચૂંટણી પંચ લોકશાહીના અવસર અને લોકશાહીનો રથ ફેરવી લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે ત્યારે બીજી તરફ નેતાઓ અને રાજકીય પક્ષોથી અસંતુષ્ટ એવા લોકો ચૂંટણીનું સંપૂર્ણ બહિષ્કાર કરી રાષ્ટ્રીય પક્ષોને અને નેતાઓ ની શાન ઠેકાણે લાવવા ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ઓરી ગામના ગ્રામજનો એ કર્યો ચૂંટણીનો બહિષ્કાર,સિસોદ્રા રેતીની લિઝ ને કારણભૂત ગણાવી છે

બે દિવસ અગાઉ નર્મદા જિલ્લાના રાજપીપળા નગરના રોહિતવાસ વિસ્તારમાં એવા પોસ્ટર લાગ્યા હતા કે અમારા વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ કે નેતાએ પ્રચાર કરવા માટે આવું નહીં કારણ કે અમારી સમસ્યા ઓનું સમાધાન કરવામાં આવતું નથી સમસ્યાઓ છે ગટર અને કચરા જેવી સામાન્ય પરંતુ એવા નાના કામો કરવામાં પણ સત્તાધારીઓ નિષ્ફળ જાય ત્યારે પ્રજાનું સંયમ તૂટી જાય છે, ત્યારે જિલ્લાના ઓરી ગામના ગ્રામજનોએ ભેગા થઈને ચૂંટણી અને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી તેઓએ જણાવ્યું કે તેમના ગામ આગળથી પસાર થતાં રસ્તા ઉપરથી સિસોદ્રા ગામે આવેલી રેતીની લીઝના ભારદારી વાહનો પસાર થતા હોય ને રોડ રસ્તા પર એક એક ફૂટ જેટલા ખાડા પડી રહ્યા છે અને આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતી રહે છે જેના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે લોકોના સ્વાસ્થ્ય અને નુકસાન થાય છે અને વારંવાર નાના મોટા અકસ્માતો થાય છે.
 તેઓની માંગણી છે કે મોટા અને ભારદારી વાહનોના બદલે મધ્યમ કક્ષાના વાહનો મધ્યમ નિયત મર્યાદામાં રેતી ભરીને જાય અને સાંજના છ કલાક પછી રેતીના વાહનોની અવરજવર બંધ થઈ જાય એવી એમની માંગણી છે જો એમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે એવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.
આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા લોકો પણ બહિષ્કારનું શસ્ત્ર ઉગામી રાજકીય પક્ષો અને નેતાઓની સાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કરે છે હવે જોવું રહ્યું કે રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ આ મામલે શું કરે છે

(12:39 am IST)