Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

સભા ગઈ તેલ લેવા :ચવાણા સહિતના ખાવાના પડીકા લેવા માટે ખેસ પહેરેલા લોકોની પડાપડી

યુપીના ભાજપના સાંસદ રવિકિશનની હાજરીમાં જ ચવાણા સહિતના ખાવાના પડીકા લેવા માટે રીતસરની લૂંટ મચી હતી

અમદાવાદ ; રાજ્યમાં ચૂંટણીનો માહોલ ધમધમી રહ્યો છે. કેન્દ્રિય નેતાઓ હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને રાજ્યમાં પ્રચાર કરવા માટે મેદાને ઉતાર્યા છે. તે અંતર્ગત ભાજપના નેતા અને ઉત્તરપ્રદેશના સાંસદ રવિ કિશન અરવલ્લીના મેઘરજમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓની હાજરીમાં જ લોકોએ ભાજપનો ખેસ પહેરીને જ ચવાણુ લેવા માટે પડાપડી કરી હતી. રવિકિશનની હાજરીમાં જ ચવાણા સહિતના ખાવાના પડીકા લેવા માટે રીતસરની લૂંટ મચી હતી.

મળતી માહિતી મુજબ ભિલોડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પી સી બરંડાના પ્રચાર માટે અહીં સ્ટાર પ્રચારક ઉત્તર પ્રદેશના સાંસદ રવિ કિશન હાજરી આપવાના હતા. તેથી ખાસ તૈયારીઓ સાથે મોટી જનમેદની ભેગી કરવાના પ્લાન ઘડાયા હતા. દરમિયાનમાં સભા યોજાઈ હતી. જ્યારે યુપીના સાસંદ રવિ કિશન હાજર હતા ત્યારે જ ચવાણા સહિતના પેકેટ વેચાવાના શરૂ થયા અને મોટા ભાગની મેદની નેતાના ભાષણને પડતુ મુકી ચવાણું લેવા ચાલ્યા ગયા હતા. ભાજપના નેતાઓ ભાષણ કરતા રહ્યા અને લોકો ચવાણું લેવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મી સ્ટાઇલમાં રવિ કિશને કોંગ્રેસ અને કોંગ્રેસી નેતાઓને આડેહાથ લઈ ધાર્મિકતાની લાગણી મતદારોમાં જન્માવવા નારા લગાવ્યા હતા.રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન પ્રક્રિયા થવાની છે જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી થશે. સમગ્ર દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર મંડાયેલી છે ત્યારે સત્તા પક્ષ ભાજપ જંગી બહુમતીથી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે

(11:07 pm IST)