Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

દેશની સરહદ-સેનાનું અપમાન કરશે એ કોઈપણને પરિણામ ભોગવવું પડશે: ગૃહમંત્રી અમિતભાઈ શાહ

ભાજપના ડેડીયાપાડાના ઉમેદવાર હિતેશ વસાવા અને નાંદોદના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખને જંગી બહુમતીથી જીતાડવા જનમેદનીને આહવાન કર્યું

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં કેન્દ્રિય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ  શાહે વિશાળ જનમેદનીને સંબોધી હતી. એમણે ભાજપના ડેડીયાપાડાના ઉમેદવાર હિતેશ વસાવા અને નાંદોદના ઉમેદવાર ડો. દર્શનાબેન દેશમુખને જંગી બહુમતીથી જીતાડવા જનમેદનીને આહવાન કર્યું હતું. આ જાહેરસભામાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુંસાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, મોતીસિંહ વસાવા, શંકરભાઈ વસાવા સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 280 જેટલા ઢોલ એક સાથે વગાડી આદિવાસીઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

ગૃહમંત્રી અમીતભાઈ  શાહે જણાવ્યું હતું કે ભાજપે આદિવાસી વિસ્તારની શહેરી વિસ્તાર જેવો જ વિકાસ કર્યો છે. પીએમ મોદીએ છેલ્લાં 8 વર્ષમાં 80 કરોડ ગરીબોને ત્યાં વિકાસ રૂપી અજવાળું કર્યું છે.ગુજરાતમાં 13 કરોડ ગરીબ બહેનોના ઘરે ગેસ મોકલ્યો, દરેક ગરીબીના ઘરોમાં શૌચાલયો બનાવ્યા. 60 વર્ષ સુધી કોંગ્રેસે ગરીબોને ખરાબ જીવન જીવવા પર મજબૂર કરી દીધા હતા.

 ભાજપે 230 કરોડ કોવિડ રસીના મફત ડોઝ મૂક્યા સાથે સાથે લોકડાઉંનમાં 2.25 વર્ષ સુધી 80 કરોડ લોકોને 5 કિલો અનાજ મફતમાં પૂરું પાડ્યું. 1970 માં કોંગ્રેસે એવો નારો આપ્યો હતો કે અને ગરીબી હટાવીશુ પણ કોંગ્રેસે તો ગરીબોને હટાવી દીધા. ભાજપે ગરીબો અને અમીરોને એક કરવાનુ કામ કર્યું, આદીવાસીઓ માટે કોંગ્રેસે છેલ્લાં બજેટમાં 1 હજાર કરોડ જ્યારે ભુપેન્દ્ર ભાઈ પટેલ સરકારે 1 લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે.ભાજપ સરકારે ઉમરપાડાથી ડેડીયાપાડા વિસ્તારની 53 હજાર એકર જમીનમાં સિંચાઇનું કામ કર્યું છે.

અમીતભાઈ  શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસનાં સમયમાં 200 દિવસ તોફાનો થતા હતા, કોંગ્રેસે લોકોને ઝઘડાવવાનું જ કામ કર્યું છે. કોંગ્રેસના સમયમાં દેશની સરહદો સલામત ન્હોતી, આતંકવાદીઓ માટે એ સમયે મોકળું મેદાન હતું. જ્યારે ભાજપે સરહદો સુરક્ષિત કરી, ગુજરાતમાં વિદેશી રોકાણ વધાર્યું. કોંગ્રેસે દેશમાં ગરીબી વધારવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો લટકાવી રાખ્યો, રાહુલ બાબા સાંભળી લો 1 જાન્યુઆરી 2024 ના દિવસે અયોધ્યામાં રામ મંદિર બની જશે. કોંગ્રેસ 370 ની કલમને પોતાના ખોળામાં બાળકની જેમ રમાડી રહી હતી, જ્યારે ભાજપે 370 ની કલમને ડસ્ટરથી ભુંસી નાખી. સોનિયા અને મનમોહન સિંગની સરકારમાં પાકિસ્તાન માંથી આલિયા, માલીયા અને જમાલિયાઓ ઘુસી જઈ આપણા દેશના જવાનોના માથા કાપી નાખતા હતા. જ્યારે મોદી સરકારે પાકિસ્તાનમાં ઘૂસી એર સ્ત્રાઈક અને સર્જીકલ સ્ત્રાઈક કરી દુશ્મનોને જવાબ આપ્યો હતો. જે કોઈ પણ ભારત દેશની સરહદ અને સેનાનું અપમાન કરશે એને એનું પરિણામ ભોગવવું પડશે.

(12:14 am IST)