Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

નવસારી જિલ્લાના વાંસદામાં ફિલ્ટરેશન પ્લાન્ટના પાણીમાં ક્લોરીનેશન ગેસ ભળતા તળાવ ફળિયાના ૩૦ લોકોની તબિયત લથડી

નવસારી : નવસારી જિલ્લાના વાંસદા ગામે લગાવવામાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના પાણીમાં ક્લોરીનેશન ગેસ ભળતા વાંસદાનાં તળાવ ફળિયાના ૩૦ લોકોને ગુંગળામણ અનુભવાઈ હતી. સાથે જ કેટલાક લોકોને ઉલટીની ફરિયાદો ઉઠી હતી. તો અનેક લોકોને શ્વાસ લેવામાં પણ વધુ તકલીફ થઈ હતી. તમામ અસરગ્રસ્ત લોકોને વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસદા ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એના માટે ગામના તળાવ ફળિયામાં આવેલી ટાંકી સાથે ફિલ્ટરેશન પ્લાન્ટ જોડવામાં આવ્યો છે. જેના દ્વારા લોકોને પીવાનું શુદ્ધ જળ મળી રહે છે. જોકે ફિલટરેશન પ્લાન્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા પીવાના પાણી સાથે ક્લોરિનેશન ગેસ ભળ્યો હતો. જેને કારણે લોકોને ગુંગળામણ થવા લાગી હતી. જોતજોતામાં ફળિયાના ૩૦ લોકોને વિવિધ પીડા ઉપડી હતી. તેઓને તાત્કાલિક વાંસદા ગ્રામ પંચાયતના ઉપર આવેલા ટાઉન હોલમાં પ્રાથમિક સારવાર આપવાની શરૂ કરાઈ હતી.

 કેટલાક લોકોને ઉલ્ટીની ફરિયાદ સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતા 5 લોકોને વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી ૩ લોકોને થોડા સમય માટે ઓક્સિજન પણ આપવો પડ્યો હોવાની માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે, વાંસદામાં ફિલ્ટરેશન પ્લાન્ટને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે આવી ઘટના બીજી વાર બની છે. અગાઉ પણ આ પ્રકારે ગુંગળામણની ફરિયાદો થઇ હતી, પણ વધુ સમસ્યા ન થતા વાત બહાર આવી ન હતી. ઘટનાની જાણ થતા જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ તેમજ વાંસદા મામલતદાર વિશાલ યાદવ અને તેમની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

સાથે જ વાંસદાના ભાજપી આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રથમ જે લોકોને પાણીમાં ગેસ ભળવાથી આરોગ્યને લગતી ફરિયાદો હતી, તેઓને યોગ્ય સારવાર મળે એની તકેદારી રાખવાની સુચનાઓ આપવા સાથે જ ઘટના મુદ્દે તલસ્પર્શી તપાસનાં આદેશ પણ મામલતદારે આપ્યા હતા.

(4:59 pm IST)