Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નવા વર્ષથી શહેરના માર્ગો પર ઇલેક્ટ્રિક બસો દોડશે

બીઆરટીએસમાં ૫૦ ઇલેક્ટ્રિક બસ ઉમેરાશેઃ રાણીપ, નારણપુરા સહિતના બીઆરટીએસ બસ ડેપોને ચાર્જિંગ સ્ટેશન તરીકે પણ ડેવલપ કરવાનું આયોજન

અમદાવાદ, તા.૨૨: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા હવે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતાં પેસેન્જરોની સેવામાં ૫૦ નવી ઇલેકટ્રીક બસ દોડાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. સંભવત :  જાન્યુઆરી-૨૦૧૯માં શહેરના માર્ગો પર આ નવી ઇલેકટ્રીક બસો દોડતી થઇ જશે. હાલ અમદાવાદ શહેરમાં બીઆરટીએસ રૂટ પર ૨૫૫ જેટલી ડિઝલ બસો દોડાવાઇ રહી છે. પર્યાવરણ અને પ્રદૂષણ ઓછુ કરવાના નવતર અભિગમ સાથે હવે ઇલેકટ્રીક બસો દોડાવવાનું આયોજન અમ્યુકો દ્વારા હાથ ધરાયું છે. શહેરના માર્ગો પર ઇલેકટ્રીક બસ બીઓટીના ધોરણે દોડાવવામાં આવશે. જેમાં પ્રોજેકટના પહેલા તબક્કામાં દસ જેટલી ઇલેકટ્રીક બસો દોડાવવામાં આવશે અને ત્યારબાદ તેમાં ઉમેરો કરવામાં આવશે. તો, રાણીપ, નારણપુરા સહિત બીઆરટીએસ બસ ડેપોને ચાર્જિંગ સ્ટેશન તરીકે પણ ડેવલપ કરવાનું અમ્યુકો સત્તાવાળાનું આયોજન છે. અશોક લેલેન્ડ દ્વારા આ ૫૦ ઇલેકટ્રીક બસો બીઆરટીએસ સર્વિસમાં મૂકવામાં આવશે. તેના દ્વારા ઇલેક્ટ્રીક બસોનું ઓપરેશન અને મેન્ટેનન્સ પણ કરવામાં આવશે. અમ્યુકો દ્વારા આ માટે તેને પ્રતિ કિલોમીટર  પ્રમાણે ચાર્જ ચૂકવવામાં આવશે. તો બીઆરટીએસ બસ ડેપોને ચાર્જિંગ સ્ટેશન તરીકે વિકસાવવા માટે તંત્રએ આરસીસી રોડ સહિતના સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવા માટે ટેન્ડર પણ બહાર પાડયા છે. એટલું જ નહી, એએમટીએસ અને બીઆરટીએસ અમદાવાદીઓ માટે જાહેર પરિવહન સેવામાં એકબીજાના પૂરક હોઇ કેટલાક એએમટીએસ ટર્મિનસ ખાતે પણ બીઆરટીએસની ઇલેકટ્રીક બસના ચાર્જિંગની સુવિધા ઉભી કરવા માટેનું આયોજન સત્તાવાળાઓએ હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે, ઇલેક્ટ્રીક બસના કારણે શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણ સ્વચ્છ રહેવાની સંભાવના વધી જાય છે પરંતુ પ્રવાસીઓને ટિકિટ દરના ઘટાડાની શકયતા નહીવત્ છે.

(10:09 pm IST)