Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કુલ ૮૬ કરોડની મગફળી ખરીદાઈ ગઈ,આવતા સોમવારથી ખેડૂતોને ચૂકવણું

આજે બપોર સુધીમાં ૮૬૫૭ ખેડૂતોએ મગફળી વેચીઃ મનીષ ભારદ્વાજ

રાજકોટ, તા. ૨૨ :. રાજ્ય સરકાર દ્વારા નાફેડ અને નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી લાભ પાંચમ તા. ૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ છે. ધીમે ધીમે ખરીદી પ્રક્રિયામાં ગતિ આવતી જાય છે. હજુ સુધી એક પણ ખેડૂતને વેચેલી મગફળીના નાણા મળ્યા નથી. સરકારે આવતા અઠવાડીયાથી ખાતામાં નાણા જમા થવા લાગશે તેવુ ખેડૂતોને આશ્વાસન આપ્યુ છે.

નાગરિક પુરવઠા નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી મનીષ ભારદ્વાજને પૂછતા તેમણે આજે અકિલાને જણાવેલ કે, ૧૫ નવેમ્બરથી આજે બપોર સુધીમાં કુલ ૮૬૫૭ ખેડૂતો પાસેથી ૧૭૩૫૭૪ કવીન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. જેની કિંમત ૮૬.૭૮ કરોડ જેટલી થાય છે. ૧૨૨ માર્કેટયાર્ડમાં ખરીદી થઈ રહી છે. અત્યારે રોજ સરેરાશ ૨૪૦૦ થી ૨૫૦૦ ખેડૂતોની મગફળી ખરીદાઈ રહી છે. આવતા દિવસોમાં આ આંકડો ૧૦ હજાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. નાફેડના સર્વેયરો ગોડાઉનમાં તપાસ કરી અહેવાલ આપે એટલે તબક્કાવાર ખેડૂતોને ચુકવણુ શરૂ થશે. આવતા સોમવારથી તબક્કાવાર ખેડૂતોને નાણા ચુકવવાની ગણતરી છે.

(4:42 pm IST)