Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

કેન્સર જનજાગૃતિ માટે રેલી યોજવા તૈયારીઓ

છેલ્લા રવિવારે મુછસ્વેગ દિવસ

અમદાવાદ,તા.૨૨, સમગ્ર દેશમાં લોકો નવેમ્બર મહિનાને નો શેવ નવેમ્બર તરીકે ઉજવે છે. અમદાવાદમાં નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે જાણીતા મ્યુઝીશીયન બિન્ની શર્માના નેજા હેઠળ મુછસ્વેગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તા.૨૬મી નવેમ્બરે મ્યુઝીશીયન બિન્ની શર્માના નેજા હેઠળ કેન્સરની જાગૃતિ અને સામાજિક સંદેશા માટે શહેરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વાયએમસીએ કલબથી કેશવબાગ પાર્ટી પ્લોટ સુધી પંદર કિલોમીટર લાંબી રેલીમાં તેમના ગ્રુપના પંદર યુવાનો, સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો જોડાશે. આ અંગે જાણીતા મ્યુઝીશીયન બિન્ની શર્માએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નો શેવ નવેમ્બરની ઉજવણીમાં કારણ એવું નથી કે, દાઢી વધારવી અને મહિના પછી કાઢી નાંખવી પરંતું દાઢી કરવાનો ખર્ચ બચાવી તેટલી રકમ કોઇ ઉમદા કાર્ય અથવા તો સેવાની પ્રવૃત્તિમાં દાન કરવું કે જેથી સામાજિક કલ્યાણની ભાવના જળવાઇ રહે. અમે પંદર યુવાનો સાથે તા.૨૬મી નવેમ્બરે બાઇક રેલી લઇને નીકળીશું. જેનો મુખ્ય હેતુ ખાસ કરીને પુરૂષોને થતા પ્રોસ્ટેટ કેન્સર સહિતના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને આવા ભયાનક રોગ વિશે માહિતગાર કરવાનો છે. એટલું જ નહી, આવા દર્દીઓ માટે ચેરિટી થકી ભંડોળ એકત્ર કરી તેઓને આર્થિક સહાય કરી એક સામાજિક સેવા કરવાનો પણ છે. લોકોને સારી રીતે સંદેશો આપી શકીએ તે આશયથી અમે મુછસ્વેગ એન્થમ પણ બનાવ્યું છે. આ ઇવેન્ટ સાથે જોડાવા ઇચ્છતા લોકો મુછસ્વેગ ડોટ કોમ ઉપરાંત અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજ થકી આ સામાજિક સેવાની ઝુંબેશમાં જોડાઇ શકે છે એમ પણ મ્યુઝીશીયન બિન્ની શર્માએ ઉમેર્યું હતું.

 

(10:17 pm IST)