Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ગોધરા કાંડ : પીડિત પરિવારને ૧૬ વર્ષના ગાળા બાદ વળતર

પીડિત પરિવારને વ્યાજ સાથે રકમ ચુકવવા હુકમઃ હત્યાકાંડમાં ભોગ બનેલામાં અમૃત પટેલની લાશ જે ૧૯ લાશો વણઓળખાયેલ રહી હતી તે પૈકીની હતી

અમદાવાદ,તા.૨૨, ગોધરાકાંડમાં સાબરમતી ટ્રેનમાં મૃત્યુ પામેલા કારસેવકના પરિવારને આખરે ૧૬ વર્ષે ન્યાય મળ્યો છે. રેલ્વે ટ્રિબ્યુનલે વર્ષો બાદ પીડિત પરિવારને વળતર પેટે રૂ.આઠ લાખ વ્યાજ સાથે ચૂકવવા મહત્વનો હુકમ કર્યો છે. આ હત્યાકાંડમાં ભોગ બનેલામાં અમૃતભાઇ પટેલની લાશ જે ૧૯ લાશો વણઓળખાયેલ રહી હતી તે પૈકીની એક હતી. મૃતક અમૃતભાઇ પટેલના પત્ની સહિત અન્યોએ એડવોકેટ દિપક શુક્લ મારફતે રેલ્વે કલેઇમ ટ્રિબ્યુનલમાં વળતર માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અમૃતભાઇ ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ અયોધ્યાથી અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન મારફતે આવી રહ્યા હતા ત્યારે તોફાની ટોળાએ ટ્રેનના એસ-૬ કોચને આગ ચાંપી દેતાં આ જઘન્ય હત્યાકાંડ સર્જાયો હતો અને તેમાં અમૃતભાઇ પણ ભોગ બન્યા હતા. આ સંજોગોમાં રેલ્વે એકટ હેઠળ અરજદારો જરૂરી અને યોગ્ય વળતર મેળવવા હકદાર છે. અરજદારપક્ષ તરફથી ટ્રિબ્યુનલનું ધ્યાન દોરાયું હતું કે, મૃતકની લાશ સંપૂર્ણ કોલસો બની ગઇ હતી અને તેથી તેની ઓળખ શકય બની ન હતી.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લાશની અંતિમવિધ કરવામાં આવી હતી. મૃતકની લાશની ઓળખ માટે સરકાર દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવાયો હતો. જેમાં એ સ્પષ્ટ થયું હતુ કે, ૧૯ નંબરની લાશ એ અમૃતભાઇની પટેલની હતી. રેલ્વે સત્તાવાળાઓએ એવા કારણસર વળતરની માંગણી ફગાવી હતી કે, અમૃતભાઇ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો કોઇ પુરાવો નથી. જેના જવાબમાં અરજદારપક્ષ તરફથી દલીલ કરાઇ હતી કે, આખો એસ-૬ કોચ અને તેમાં મુસાફરી કરતાં લોકોને જીવતા આગમાં ભુંજી નાંખવામાં આવ્યા ત્યારે ટિકિટ પણ તેમાં બળી ગઇ હોય તે સ્વાભાવિક વાત છે. ડીએનએ પરીક્ષણમાં અમૃતભાઇની લાશ સાબિત થઇ ગઇ છે ત્યારે બીજા કોઇ વધુ પુરાવાની જરૂર રહેતી નથી. આ દલીલો ગ્રાહ્ય રાખી રેલ્વે ટ્રિબ્યુનલે પીડિત પરિવારને રૂ. આઠ લાખની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા રેલ્વે સત્તાવાળાઓને હુકમ કર્યો હતો.

 

(11:49 pm IST)